<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક: આરોપીઓ પાસેથી ₹૭૯.૮૩ લાખ જપ્ત : SBIના કર્મચારીઓ પણ પાપમાં ભાગીદાર!

અયોધ્યા સીએજેએમ કોર્ટે આઠેય ગદ્દારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની સંડોવણી ખુલતાં સળગ્યો વિવાદ, તપાસનો રેલો બેંકિંગ સેક્ટર સુધી પહોંચતાં ખળભળાટ

અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના દાનના નાણાંની ઉચાપતના સનસનાટીભર્યા મામલામાં વધુ એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ પવિત્ર પરિસરમાંથી આસ્થાના નાણાંની ચોરી કરનારા શાતિર આરોપીઓને અયોધ્યાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટે કડક વલણ અપનાવીને ૩ દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ અયોધ્યા જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. કોર્ટના વરિષ્ઠ પ્રોસિક્યુટિંગ ઓફિસર કે.સી. વર્માએ મીડિયાને સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં આ આંતરરાજ્ય સિન્ડિકેટના કબજામાંથી કુલ ₹૭૯,૮૫,૪૯૩ (આશરે ૮૦ લાખ રૂપિયા) ની જંગી રોકડ રકમ રિકવર કરી લીધી છે. પકડાયેલા તમામ આરોપીઓને આગામી સોમવારે ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેમની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે.

આ લૂંટમાં જે સૌથી મોટો અને આઘાતજનક ખુલાસો થયો છે તે એ છે કે, રામ લલ્લાના ચરણોમાં અર્પણ થયેલા સોના-ચાંદી અને રોકડની ચોરીમાં માત્ર મંદિરના સેવકો જ નહીં, પરંતુ દેશની સૌથી મોટી સરકારી બેંક 'સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા' (SBI) ના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સીધા સામેલ હતા. સરકારી પગાર મેળવતા હોવા છતાં આ પાપના ભાગીદાર બનેલા એસબીઆઈના આશરે ૫ થી ૬ કર્મચારીઓની ભૂમિકા સત્તાવાર રીતે ખુલ્લી પડી છે, જેના કારણે હવે તપાસનો વ્યાપ સીધો બેંકિંગ સેક્ટર સુધી પહોંચી ગયો છે. જો કે, કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંના એક ગણાતા સુભાષ નામના આરોપી પાસેથી હજુ સુધી કોઈ રોકડ મળી નથી, પરંતુ સમગ્ર ગુનાહિત પ્લાનિંગ પાછળ તેનો જ ભેજો હોવાનું એસઆઈટી (SIT) ના અહેવાલમાં જણાવાયું છે.

આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારતા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રાએ તેમના પદો પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે જેથી તપાસ એજન્સીઓ કોઈપણ દબાણ વગર સ્વતંત્ર રીતે કામ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ સાથે સંકળાયેલા કૃષ્ણ મોહનની સત્તાવાર ફરિયાદના આધારે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર તિનુ યાદવ સહિત આઠ લોકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

(6:49 PM IST)