News of Wednesday, 1st July 2026
ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઈતિહાસની સૌથી મોટી રેડ : ઈરાકમાં ભ્રષ્ટાચારી નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ કાઉન્ટર ટેરરિઝમ સર્વિસની એલીટ યુનિટ્સની લશ્કરી કાર્યવાહી : કરોડોનું સોનું અને ૨૭૦૦ કરોડની રોકડ જપ્ત
સાંસદ આલિયા નાસિફ અને પૂર્વ સાંસદ હિન્દ અલ અબ્બાસીના આલીશાન નિવાસો પર દરોડા: ધરપકડથી બચવા માટે ગ્રીન ઝોનમાંથી ભાગી રહેલા મોટા નેતાઓ અને અમીરોને પકડવા એરપોર્ટ્સ સીલ કરાયા

બગદાદ : ઈરાક દેશના ઇતિહાસમાં ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંની લૂંટ ચલાવનારા રાજકારણીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અને અભૂતપૂર્વ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલો અનુસાર, ઈરાકના ભ્રષ્ટ સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓના આલીશાન ઘરો તેમજ ગુપ્ત ઠેકાણાઓ પર પાડેલા દરોડામાં સુરક્ષા દળોએ અંદાજે ૨,૭૦૦ કરોડ રૂપિયાની રોકડ, વિદેશી ચલણ અને બેફામ સોનાનો જથ્થો જપ્ત કરીને આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. બગદાદના અતિ સુરક્ષિત ગ્રીન ઝોનમાં કાઉન્ટર ટેરરિઝમ સર્વિસની એલીટ યુનિટ્સ દ્વારા આ સપાટો બોલાવવામાં આવ્યો છે.
આ મેગા ઓપરેશન દરમિયાન ઈરાકી મહિલા સાંસદ આલિયા નાસિફના ઘરેથી વહીવટી તંત્રને ૨૦ અબજ ઈરાકી દીનાર (આશરે ૧.૫૫ કરોડ ડોલર) ની રોકડ અને અઢળક સોનું મળી આવ્યું છે, જેના પગલે સાંસદ આલિયા અને તેમના પુત્રની સ્થળ પર જ ધરપકડ કરી લેવાઈ છે. આલિયા નાસિફ અગાઉ પૂર્વ વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીના ચીફ ઓફ સ્ટાફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય અન્ય એક પ્રભાવશાળી મહિલા સાંસદ હિન્દ અલ અબ્બાસીના ઘરેથી પણ અધિકારીઓએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ કબ્જે કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રેડના વીડિયોમાં નેતાઓના ઘરોના રૂમમાં રોકડ નાણાંના પહાડો ખડકાયેલા જોવા મળી રહ્યા છે.
વાસ્તવમાં, મે મહિનામાં જ ઈરાકના નવા વડાપ્રધાન બનેલા અલી અલ-ઝૈદીએ દેશના ભ્રષ્ટાચારના નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનું જે વચન આપ્યું હતું, તેના ભાગરૂપે આ કડક ઝુંબેશ હાથ ધરાઈ છે. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ મે મહિનાના અંતમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલા રિફાઈનિંગ મામલાના પૂર્વ ડેપ્યુટી ઓઈલ મિનિસ્ટર અદનાન અલ-જુમૈલીના ન્યાયિક નિવેદનો અને ગુપ્ત ખુલાસાઓના આધારે થયો છે, જેના પછી ન્યાયાલય દ્વારા અનેક ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયા હતા. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ૮૫ મિલિયન ડોલર (૮૦૫ કરોડ રૂપિયા) ની મિલકતો સીઝ કરાઈ છે.
ઈરાકની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભ્રષ્ટ નેતાઓએ ગબન કરેલા સરકારી ફંડમાંથી ૧૦૭ મિલિયન ડોલર (૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) ની રકમ પોતાના ખાનગી ઘરોની નીચે બંકરો બનાવીને દાટી દીધી હતી. અધિકારીઓએ ભારે મશીનરી મંગાવીને જમીન ખોદીને ઘરોના ભોંયરામાંથી ૯૮ અબજ ઈરાકી દીનાર (૭૪ મિલિયન ડોલર) અને ૧૧ મિલિયન ડોલરની રોકડ કઢાવી છે. આ રેડની ભનક લાગતા જ અનેક મંત્રીઓ અને સાંસદો દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં હતા, પરંતુ સેનાએ તાત્કાલિક એક્શન લઈને ગ્રીન ઝોનના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ સીલ કરી દીધા છે અને એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરીને ભાગી રહેલા અનેક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
