News of Sunday, 21st June 2026
બીકાનેર-અમદાવાદ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ: જાણો ટ્રેન કયા રૂટ પર દોડશે અને નાગરિકોને શું ફાયદો થશે ?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે બીકાનેર-અમદાવાદ દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી

રાજસ્થાન અને ગુજરાત વચ્ચે પ્રવાસ કરતા મુસાફરો, વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર રેલવે સ્ટેશન ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં બીકાનેર (લાલગઢ) – અમદાવાદ (સાબરમતી) ઉદ્ઘાટન સ્પેશિયલ રેલવે સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ નવી ટ્રેન સેવાનો પ્રારંભ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ અવસરે સંબોધન કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બીકાનેર ક્ષેત્રના નાગરિકો લાંબા સમયથી બહેતર રેલવે કનેક્ટિવિટીની માગ કરી રહ્યા હતા. આજે આ નવી રેલવે સેવા શરૂ થવાથી તેમની એ આકાંક્ષા પૂર્ણ થઈ છે. તેમણે ઉમેર્યું કે આ ટ્રેન માત્ર મુસાફરી જ સરળ નહીં બનાવે, પરંતુ સ્થાનિક વ્યાપાર, પ્રવાસન (ટુરિઝમ) અને આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટો વેગ આપશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનને રેકોર્ડબ્રેક ₹10,228 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ છે.
PM મોદીના 'વિકસિત ભારત-2047' ના વિઝનને સાકાર કરવા 'રાષ્ટ્ર પ્રથમ-સદૈવ પ્રથમ' ની ભાવના સાથે બોર્ડર વિસ્તારોમાં પણ રેલવે લાઇનનું કામ તબક્કાવાર રીતે થઈ રહ્યું છે.
રેલવે મંત્રીએ દેશભરમાં ચાલી રહેલા સ્ટેશનોના કાયાકલ્પનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'અમૃત સ્ટેશન યોજના' અંતર્ગત દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં બીકાનેર, લાલગઢ, નોખા, સાદુલપુર, ચુરુ અને રતનગઢ રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જયપુર અને જેસલમેર સ્ટેશનનો વિકાસ સ્થાનિક કલા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરાયો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ ઉપરાંત, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રીએ બીકાનેરથી ચંડીગઢ વચ્ચે પણ નવી ટ્રેન શરૂ કરવાના પ્રસ્તાવની ફિઝિબિલિટી ચકાસવા માટે અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે બીકાનેર પધારેલા રેલવે મંત્રીનું સ્વાગત કર્યું હતું. તેમણે બીકાનેર રેલવે સ્ટેશનના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સ્ટેશન મહોત્સવની માહિતી આપી હતી અને વિસ્તારમાં વંદે ભારત ટ્રેન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે રેલવે લાઇનોના બેવડીકરણ (ડબલિંગ), રેલવે ફાટકોની સમસ્યાના નિવારણ અને સ્વચ્છતા અભિયાન માટે રેલવે મંત્રાલયની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ઉત્તર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અમિતાભ, મંડળ રેલવે પ્રબંધક બીકાનેર ગૌરવ ગોવિલ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીકાનેર (લાલગઢ) - અમદાવાદ (સાબરમતી) એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાથી બંને રાજ્યોના અનેક જિલ્લાઓને સીધો ફાયદો થશે.
લાભકર્તા જિલ્લાઓ: ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના જાલોર, બાલોતરા, જોધપુર, નાગોર અને બીકાનેર.
ટ્રેનના મુખ્ય સ્ટોપેજ: સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, નાગોર, નોખા, બીકાનેર અને લાલગઢ.
આ નવી એક્સપ્રેસ ટ્રેન સેવા દૈનિક (Daily) ધોરણે સંચાલિત થવાની હોવાથી બીકાનેર અને અમદાવાદ વચ્ચે સીધો અને ઝડપી સંપર્ક સ્થાપિત થયો છે. આ રેલવે સેવાનો સૌથી વધુ લાભ શિક્ષણ અર્થે જતા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, નાના-મોટા વ્યાપારીઓ અને પ્રવાસન અર્થે જતા લોકોને મળશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
