News of Monday, 13th July 2026
બિલાસપુર: કાળજું કંપાવી દેતો અકસ્માત કેમેરામાં કેદ: સ્પીડિંગ કારે સ્કૂટી સવાર માસૂમ વિદ્યાર્થીને હવામાં ૧૦ ફૂટ ઉછાળ્યો, કરુણ મોત
સીસીટીવી ફૂટેજ જોઈને રૂંવાડા ઉભા થઈ જશે; બેકાબૂ કારે સ્કૂટીને ફંગોળ્યા બાદ સ્કૂલ બસને પણ મારી જોરદાર ટક્કર, ડ્રાઈવર ફરાર.

બિલાસપુર, તા. 13: રવિવારની સવાર એક પરિવાર માટે ક્યારેય ન ભૂલાય તેવો આઘાત લઈને આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કાળજું કંપાવી દેતા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક અત્યંત ઝડપે આવતી કારે માસૂમ સ્કૂટી સવારને પોતાની અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ૧૬ વર્ષનો નિર્દોષ વિદ્યાર્થી હવામાં ૧0 ફૂટ ઊંચો ઉછળ્યો અને રોડ પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભયાનક ટક્કર અને કમકમાટીભર્યું મોત
પોલીસના જણાવ્યા અનુસાર, આ કમનસીબ ઘટના રવિવારે સવારે ૭.૩0 વાગ્યે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારની સંજીવની હોસ્પિટલ નજીક વેરહાઉસ રોડ પર બની હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ ૧૬ વર્ષીય રુદ્ર પ્રતાપ શર્મા તરીકે થઈ છે, જે માંગલાના અભિષેક નગરનો રહેવાસી હતો. કાર (CG 10 BH 7752) ની સ્પીડ એટલી વધારે હતી કે તે સામેથી આવતી રુદ્રની સ્કૂટી સાથે સીધી અથડાઈ હતી. આસપાસના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
અકસ્માત બાદ કાર ચાલક ફરાર, સગીર હોવાની આશંકા
સ્કૂટીને કચડ્યા બાદ પણ કાર થોભી નહોતી. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર સીધી સામે ઊભેલી એક સ્કૂલ મિની-બસ (CG 10 NB 8858) સાથે અથડાઈ ગઈ હતી. ટક્કરને કારણે બસના આગળના ભાગના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા, સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જીને કાર ચાલક અને તેના સાથીઓ વાહન ઘટનાસ્થળે જ મૂકીને ભાગી ગયા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર કોઈ સગીર વયનો છોકરો ચલાવી રહ્યો હતો, જે અંગે પોલીસ હાલ સીસીટીવી અને વાહનના દસ્તાવેજોના આધારે તપાસ કરી રહી છે.
બીજો અકસ્માત: હાઈવા ટ્રકે બે બાઈકને કચડી
આ જ જિલ્લામાં રવિવારે બપોરે વધુ એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. મસ્તુરી પોલીસ સ્ટેશન વિસ્તારના નવોદય વિદ્યાલય નજીક એક બેકાબૂ હાઈવા ટ્રકે બે મોટરસાયકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ૪૫ વર્ષીય શૈલુ મીરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો — સંતોષ ભાઈના (૩0) અને ધનંજય દહરે (૨૬) હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.
પોલીસની કડક કાર્યવાહીની ખાતરી
એક જ દિવસમાં બનેલી આ બંને ઘટનાઓએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ પ્રશાસને જણાવ્યું છે કે જો પ્રથમ અકસ્માતમાં કાર ચલાવનાર સગીર હોવાનું સાબિત થશે, તો વાહનના માલિક સામે મોટર વાહન અધિનિયમની કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવામાં આવશે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
