News of Friday, 23rd October 2026
ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત: વ્લાદિવોસ્તોકમાં ઐતિહાસિક નૌકાદળ કવાયત 'INDRA 2026'નું સફળતાપૂર્વક સમાપન
ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS સહ્યાદ્રીએ રશિયન નૌકાદળ સાથે મળીને દરિયાઈ સુરક્ષા અને ઓપરેશનલ સંકલન સુધારવા માટે હાથ ધરેલા યુદ્ધાભ્યાસ બાદ વ્લાદિવોસ્તોકથી વિદાય લીધી.

વ્લાદિવોસ્તોક (રશિયા), તા.૨૩: ભારત અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલી આવતા વ્યૂહાત્મક સંબંધો અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીને વધુ એક નવી ઊંચાઈએ પહોંચાડતા, બંને દેશોની નૌકાદળો વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય કવાયત 'ઇન્દ્રા ૨૦૨૬' (INDRA 2026) નું રશિયાના વ્લાદિવોસ્તોક ખાતે સફળતાપૂર્વક સમાપન થયું છે. આ સંયુક્ત યુદ્ધાભ્યાસ પૂર્ણ થયા બાદ ભારતીય નૌકાદળના અદ્યતન યુદ્ધજહાજ 'INS સહ્યાદ્રી' (INS Sahyadri) એ વ્લાદિવોસ્તોક બંદરથી પોતાની આગળની સફર માટે પ્રસ્થાન કર્યું હતું.
આ કવાયતને મુખ્યત્વે બે મહત્વપૂર્ણ તબક્કાઓ - બંદર તબક્કો (Harbour Phase) અને દરિયાઈ તબક્કો (Sea Phase) માં વિભાજિત કરવામાં આવી હતી. આ બંને તબક્કાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળ અને રશિયન ફેડરેશન નૌકાદળ વચ્ચે વ્યાવસાયિક સહયોગ વધારવો, ઓપરેશનલ સંકલન સાધવું અને આંતર-કાર્યક્ષમતા (Interoperability) ને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કવાયતે બંને દેશોના નૌકાદળના જવાનોને એકબીજાના અનુભવો અને તકનીકોમાંથી શીખવાની ઉત્તમ તક પૂરી પાડી હતી.
બંદર તબક્કા દરમિયાન બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો યોજાઈ હતી. આ સિવાય ક્રોસ-ડેક મુલાકાતો, વિષય નિષ્ણાત વિનિમય અને ઓપરેશનલ સિંક્રનાઇઝેશન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સાથે જ, બંને દેશોના નૌકાસૈનિકો વચ્ચે રમતગમત અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેણે વ્યાવસાયિક જોડાણની સાથે પરસ્પર ગાઢ મૈત્રી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ કર્યું હતું.
ત્યારબાદ દરિયાઈ તબક્કા દરમિયાન, ખુલ્લા સમુદ્રમાં બંને નૌકાદળોના યુદ્ધજહાજો દ્વારા જટિલ અને સંકલિત દાવપેચ (Tactical Maneuvers), સંકલિત સંદેશાવ્યવહાર કવાયત, હેલિકોપ્ટર ઓપરેશન્સ અને કટોકટીના સમયે તબીબી સ્થળાંતર (Medical Evacuation) જેવી અત્યંત મહત્વપૂર્ણ સૈન્ય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ ક્ષેત્રીય અભ્યાસોથી બંને દેશોના સૈનિકોએ સંયુક્ત પ્રક્રિયાઓનો સઘન અભ્યાસ કર્યો હતો અને દરિયામાં કોઈપણ પડકારનો સાથે મળીને સામનો કરવાની ક્ષમતામાં સુધારો કર્યો હતો.
ભારતીય નૌકાદળના સત્તાવાર નિવેદન અનુસાર, 'ઇન્દ્રા ૨૦૨૬' કવાયતની સફળતા ભારત અને રશિયા વચ્ચેની સમયની એરણ પર ખરી ઊતરેલી સંરક્ષણ અને દરિયાઈ ભાગીદારીની પુનઃપુષ્ટિ કરે છે. આ સૈન્ય કવાયત દરિયાઈ સુરક્ષા જાળવવા તેમજ વૈશ્વિક સ્તરે સુરક્ષિત, સ્થિર અને શાંતિપૂર્ણ દરિયાઈ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે બંને દેશોની સમાન પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
