<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

બીસ્લેરીનું પાણી નુકસાનકારક! : પેકેજ્ડ પીવાના પાણીના નમૂના 'અસુરક્ષિત' જણાતા FSSAIએ બિસ્લેરી ઈન્ટરનેશનલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી

બ્રોમેટની નિર્ધારિત મર્યાદાનું ઉલ્લંઘન અને રેફરલ લેબોરેટરીના પરીક્ષણમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (PAHs) મળી આવતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ પગલાં લેવા નિર્ણય : ખાદ્ય વ્યવસાય સંચાલકો, ઈ-કોમર્સ કંપનીઓ તેમજ એનર્જી ડ્રિંક ઉત્પાદકો સામે નિયમનકારની કડક ઝુંબેશ

નવી દિલ્હી: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (પીવાના પાણી)નો નમૂનો 'અસુરક્ષિત' (Unsafe) જણાયા બાદ બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે કાયદેસરની કાર્યવાહી (પ્રોસિક્યુશન) શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ખાદ્ય નિયમનકારે રવિવારે આ અંગેની સત્તાવાર માહિતી જાહેર કરી હતી.

નમૂનાની તપાસ અને રેફરલ લેબોરેટરીનો અહેવાલ:
FSSAI દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, પરીક્ષણ માટે બિસ્લેરી ઈન્ટરનેશનલના પરિસરમાંથી "પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (મિનરલ વોટર સિવાય)" નો એક નિયમનકારી નમૂનો એકત્રિત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ નમૂનો બ્રોમેટની નિર્ધારિત મર્યાદાઓનું પાલન ન કરતો હોવાનું જણાયું હતું, જેના પગલે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ, ૨૦૦૬ હેઠળ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપની દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે આ નમૂનાને વધુ પરીક્ષણ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. નિયમનકારે ઉમેર્યું હતું કે રેફરલ લેબોરેટરીના પરીક્ષણમાં નમૂનામાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (PAHs) ની હાજરી મળી આવતા તેને ત્યાંથી પણ 'અસુરક્ષિત' જાહેર કરવામાં આવ્યો હતો.

કાયદાના ઉલ્લંઘન બદલ કડક પગલાં:
નિયમનકારના જણાવ્યા મુજબ, લેબોરેટરીના તારણોથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ અસુરક્ષિત ખાદ્ય પદાર્થો સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન થતું હોવાનું પ્રસ્થાપિત થયું છે. આ તારણોના આધારે FSSAI એ કાયદા હેઠળ બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.

ખાદ્ય અને પીણાં ઉદ્યોગ પર નિયમનકારની તવાઈ:
ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન ફૂડ રેગ્યુલેટરે ખાદ્ય વ્યવસાય સંચાલકો (ફૂડ બિઝનેસ ઓપરેટર્સ) અને ઈ-કોમર્સ કંપનીઓ સામે અમલીકરણની કાર્યવાહી તેજ બનાવી છે. આ ઉપરાંત, FSSAI દ્વારા એનર્જી ડ્રિંક અને આલ્કોહોલિક પીણાંના ઉત્પાદકો સામે પણ કડક તવાઈ બોલાવવામાં આવી રહી છે.

(9:08 PM IST)