News of Saturday, 5th September 2026
ગોવામાં ભાજપ સરકારની મોટી ભેટ: નાગરિકોને દર વર્ષે મળશે ૩ મફત એલપીજી સિલિન્ડર અને ૩૦૦૦ રૂપિયા
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ૨૦૨૨ના ચૂંટણી વચનનું પાલન કરી બેન્ક ખાતામાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની કરી જાહેરાત, પંચાયતોમાંથી મળ શરૂ થશે ફોર્મ

પણજી :ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા પણજીમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને મોંઘવારી સામે મોટી આર્થિક રાહત આપવાના હેતુથી દર વર્ષે ત્રણ એલપીજી ગેસ સિલિન્ડર મફત આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી ૯ સપ્ટેમ્બરથી સીધા જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં વાર્ષિક ૩,૦૦૦ રૂપિયા જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને ૫ સપ્ટેમ્બરથી પંચાયતો તથા ધારાસભ્યોની ઑફિસમાંથી અરજી ફોર્મનું વિતરણ પણ આરંભી દેવામાં આવ્યું છે.
આ યોજના અંગે વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જનતાને આપવામાં આવેલા વચનનો જ એક ભાગ છે, અને આ યોજનાનો લાભ ફક્ત ગોવાના મૂળ નિવાસીઓને જ મળશે જેથી અન્ય રાજ્યોના લોકો આ માટે પાત્ર રહેશે નહીં, અને આ માટે અરજી કરતી વખતે નાગરિકોએ પોતાની બેન્ક પાસબુક, વોટર આઈડી કાર્ડ તેમજ [Aadhaar Redacted] ની કોપી સબમિટ કરવાની રહેશે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને ઊર્જા પુરવઠામાં અવરોધના કારણે એલપીજીના વૈશ્વિક ભાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા જ્યાં એક તરફ પીએનજી (PNG) તરફ વળવાની નીતિ અપનાવાઈ રહી છે, ત્યારે ગોવા સરકારના આ પગલાથી રાજ્યની ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને ઘરના રસોડાનું બજેટ જાળવી રાખવામાં મોટો આશરો મળશે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ સબમિટ થયેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ આ નાણાકીય સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવશે, જેનાથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે અને આગામી સમયમાં આ યોજના રાજ્યના હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
