News of Wednesday, 9th September 2026
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ₹૧,૪૭૩ કરોડનું ભંડોળ મળ્યું: કોંગ્રેસ કરતાં સાત ગણી વધુ આવક મેળવી ભાજપે કમાણીમાં મોટો રેકોર્ડ સર્જ્યો
ચૂંટણી સમયગાળામાં ભાજપની તિજોરીમાં ₹૯૦૫ કરોડનો તોતિંગ વધારો : જ્યારે કોંગ્રેસના ઉપલબ્ધ ભંડોળમાં ₹૬૬ કરોડનો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી: પાંચ રાજ્યોની તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પર ધનવર્ષા થઈ છે. ચૂંટણી પંચ સમક્ષ રાજકીય પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા ખર્ચ અને આવકના સત્તાવાર અહેવાલો મુજબ, આ ચૂંટણી સિઝનમાં ભાજપના કેન્દ્રીય મુખ્યાલયને ₹૧,૪૭૨.૮ કરોડ (આશરે ₹૧,૪૭૩ કરોડ) નું ભંડોળ પ્રાપ્ત થયું છે. આ રકમ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને મળેલી કુલ આવક કરતાં સાત ગણીથી પણ વધુ છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર ૧૫ માર્ચથી ૬ મે દરમિયાન ભાજપના કેન્દ્રીય મુખ્યાલયને ₹૧,૪૭૨.૮ કરોડ મળ્યા હતા. જેની સામે કોંગ્રેસને તેના કેન્દ્રીય મુખ્યાલય તેમજ આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીના રાજ્ય એકમો મળીને કુલ ₹૨૦૭.૧૭ કરોડની નેટ આવક થઈ હતી.
ચૂંટણી ગાળામાં ભાજપનું બંધ બેલેન્સ ₹૬,૭૨૨.૬ કરોડથી વધીને ₹૭,૬૨૭.૨ કરોડ થઈ ગયું હતું, એટલે કે પાર્ટીની બેંક સિલકમાં ₹૯૦૪.૬ કરોડનો ચોખ્ખો વધારો થયો. બીજી તરફ, કોંગ્રેસનું ફંડ ₹૧૬૯.૦૬ કરોડથી ઘટીને ₹૧૦૩.૨ કરોડ થઈ ગયું હતું, જે ₹૬૫.૮૬ કરોડનો નાણાકીય ઘટાડો દર્શાવે છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળ અને કેરળ સિવાયના અન્ય ત્રણ રાજ્યો (આસામ, તમિલનાડુ અને પુડુચેરી) માં પક્ષે કુલ ₹૧૫૯.૭ કરોડનો ખર્ચ કર્યો છે.
આસામ: ભાજપે સૌથી વધુ ₹૯૬.૨૭ કરોડ ખર્ચ્યા, જેમાં સામાન્ય પ્રચાર પાછળ ₹૭૬.૭૩ કરોડ અને ઉમેદવારો પાછળ ₹૧૯.૫૪ કરોડ વપરાયા. જેમાં જાહેરાતો પાછળ ₹૩૭ કરોડ અને સ્ટાર પ્રચારકોના પ્રવાસ પાછળ ₹૨૭.૩ કરોડનો સમાવેશ થાય છે. તમિલનાડુ: પાર્ટીએ કુલ ₹૫૧.૫૬ કરોડ ખર્ચ્યા, જેમાંથી ₹૪૪.૫૧ કરોડ પ્રચાર પાછળ અને ₹૭.૦૫ કરોડ ઉમેદવારો માટે ફાળવાયા. પુડુચેરી: ભાજપે ₹૧૧.૯૦ કરોડનો ખર્ચ કર્યો હતો.
બીજી તરફ, કોંગ્રેસે પાંચેય રાજ્યોમાં મળીને કુલ ₹૨૪૮.૫૫ કરોડનો ચૂંટણી ખર્ચ નોંધાવ્યો છે. આમાંથી સામાન્ય પ્રચાર માટે ₹૧૪૩ કરોડ અને ઉમેદવારોને મદદરૂપ થવા માટે ₹૧૦૫.૫૫ કરોડ ફાળવવામાં આવ્યા હતા. કોંગ્રેસે સૌથી વધુ ખર્ચ કેરળમાં ₹૫૯.૨૮ કરોડ અને ત્યારબાદ આસામમાં ₹૨૨.૬૨ કરોડ કર્યો હતો. ચૂંટણી પંચના આ આંકડા દેશના બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચેની નાણાકીય સ્થિતિનો મોટો તફાવત છતો કરે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
