News of Saturday, 25th April 2026
સામાજિક સમરસતાની વાત કરનાર ભાજપે બક્ષીપંચ સમાજમાંથી એક જ સમાજને વધુ પડતું પ્રતિનિધિત્વ આપતા અન્ય જ્ઞાતીમાં ભાજપ સામે ભભૂકતો રોષ
ભાજપે આપેલ બક્ષીપંચ સમાજને ૨૭ ટકા અનામત છતાં રાજકોટ શહેરમાં બક્ષીપંચ સમાજમાં સમાવિષ્ટ અન્ય જ્ઞાતીને અન્યાય કેમ? મોટો પ્રશ્ન.. : શહેરમાં ૬૦.૦૦૦ થી વધુ વસ્તી ધરાવનાર લુહાર સમાજમાં એકપણ ટિકિટ નહી, વોર્ડ નં.૧ માં મોટી વસતી ધરાવનાર સતવારા અને મોચી સમાજમાં એકપણ ટિકિટ નહી, શહેરમાં ગઢવી સમાજ, દરજી સમાજ, માળી સમાજ, બારોટ સમાજ, કાઠી સમાજને એક પણ ટિકિટ નહી : શહેરમાં ૫૦.૦૦૦ થી વધુ રાજગોર બ્રાહ્મણ સમાજ કે જેનો બક્ષીપંચ માં સમાવેશ થાય છે જેમાં વોર્ડ નં.૮,૧૦,૧૧ માં બક્ષીપંચની સીટ ઉપર સમીકરણ બેસતું હોવા છતાં ટિકિટ નહી મળતા રાજગોર સમાજ પણ નારાજ, હવે ભાજપને જય પરશુરામઃ પાર્લામેન્ટ્રી બોર્ડમાં જે સમાજના આગેવાનો સમાવિષ્ટ ન હતા તેવા સમાજને પણ અન્યાય, સમાજો કદ પ્રમાણે કપાયાઃ લોહાણામાં માત્ર ૩ મહિલાઓને, બ્રાહ્મણને ૭ ને બદલે ૫, સોની સમાજમાં માત્ર મહિલાને ટિકિટ મળતા સમાજના આગેવાનો નારાજઃ ભાજપ સમર્પિત જ્ઞાતીના સંમેલનો નિષ્ફળ રહ્યાઃ ભાજપે સ્વ. વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારનો ખર્ચ વસૂલ કર્યો છે તેને લક્ષમાં રાખી ભાજપના જ અનેક કાર્યકરો મતદાન કરે તેવી ભીતિ

રાજકોટ,તા.૨૫: આવતી કાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં મન કળવા દેતા નથી, પરંતુ રાજકીય પંડિતોના સર્વે અનુસાર કઈ નવાજૂની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારોમાં થાપ ખાઈ જનાર ભાજપામાં આયાતી આગેવાનો હવે ભાજપના જુના જોગીઓને મેદાનમાં ઉતારી ચૂંટણીનો તરાપો બનાવી રહ્યા છે પરંતુ છેલ્લા ૩ વર્ષમાં ભાજપે જુના જોગી ઉપર કરેલ અન્યાયનો દાવ લ્યે તો નવાય નહીં ટીવી ચર્ચા જોવા મળે છે. ભાજપની પંચ નિષ્ઠાની એક નિષ્ઠા એટલે સામાજિક સમરસતા અને એના આધાર ઉપર ભાજપ સરકારે ૨૭ ટકા બક્ષીપંચ અનામત આપવાની વાત કરી તેમાં સફળ પણ રહ્યા. પરંતુ બક્ષીપંચ સમાજમાં અંદાજે ૧૪૦ થી વધુ જ્ઞાતીઓનો સમાવેશ થાય છે પરંતુ આ ચૂંટણીમાં જીતવા માટે એક જ જ્ઞાતીને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ હોવાની લાગણી જોવા મળે છે,
૬૦.૦૦૦ થી વધુ વસ્તી ધરાવનાર વિશ્વકર્મા સમાજ એવા લુહાર સમાજને એકપણ ટિકિટ નહી દેવાતા વોર્ડ નં.૧૬ માં ભાજપના ઉમેદવારો લોક સંપર્કમાં લોહાર જ્ઞાતીની વાડી પાસે પહોંચ્યા ત્યારે હોબાળો મચ્યો હતો, આવી જ રીતે વોર્ડ નં.૧ માં સતવારા, મોચી, દરજી સમાજને ટિકિટ નહી મળતા મોટો રોષ વ્યાપી નિકળો છે, વોર્ડ નં.૨ તેમજ ૧૦માં કાઠી સમાજનું સમીકરણ બેસતું હોવા છતાં પણ ટિકિટ નહી ફાળવતા કાઠી સમાજ પણ આકરા પાણીએ હોવાનું જણાય રહ્યું છે.
શહેરમાં ૫૦.૦૦૦ થી વધુ રાજગોર બ્રાહ્મણની વસ્તી અને રાજગોર સમાજ બક્ષીપંચ માં સમાવિષ્ટ થાય છે ત્યારે બ્રહ્મ સમાજના સમીકરણ મુજબ બક્ષીપંચમાં રાજગોર સમાજને વોર્ડ નં.૮,૧૦ અને ૧૧ માં પણ સમાવી શકાય તેવી સ્થિતિ હતી, પરંતુ રાજગોર સમાજને એક પણ ટિકિટ ન મળતા અંદર ખાને ભયંકર રોષ વ્યાપી રહ્યો છે અને ભાજપને જય પરશુરામ કરે તો નવાય નહીં, તેવી પણ વાતો જોવા મળે છે. ટિકિટ ફાળવણી પૂર્વે સોની સમાજે પણ અવાજ ઉઠાવ્યો હતો કે, જો ભાજપ સોની સમાજમાં પુરુષને ટિકિટ નહી આપે તો શહેરમાં એક લાખથી વધુ સોનીઓ ભાજપને રામ રામ કરશે ? તેમજ દોઢ લાખથી વધુ વસ્તી ધરાવનાર લોહાણા સમાજમાં એક પણ પુરુષને ટિકિટ નહી આપી મેયર પદથી વંચિત રાખવાનું કાવતરું કરનાર ભાજપના આયાતી આગેવાનોને જડબાતોડ જવાબ આપવા અને ભાજપને આ ચૂંટણીમાં જય જલારામ કરવાનો નારો આપી વિધાનની ભારે ચર્ચા વચ્ચે કેટલાક ઉમેદવારો ક્રોસ વોટિગનો ભય અનુભવી રહ્યાની પણ ચર્ચા જોવા મળે છે. હાલ ભાજપમાં રઘુવંશી સમાજના આગેવાનોને માત્ર ક્લેરિકલ વર્ક જેમકે વોર્ડમાં સ્લીપ વિતરણ, રેલીઓમાં ઝંડા ઝંડી અને રાત્રીના સમયે માઇક વિનાની બુથ મિટીંગો જેવી કામગીરી સોંપી ભાજપના આગેવાનો રઘુવંશી સમાજની મજાક લઈ રહ્યાનું વાતાવરણ જોવા મળે છે.
શહેરમાં કાઠી સમાજની વસ્તી પણ મોટી સંખ્યામાં હોવા છતાં એકપણ ટિકિટ ફાળવેલ નથી જેના કારણે વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૧૦ના કાઠી આગેવાનોએ જય સૂરજદેવના નામનો નારો લગાવી દીધાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મશાન યાત્રાનો સંપૂર્ણ ખર્ચ રૂપાણી પરિવાર પાસેથી વસુલ કરેલ હોવાથી ભાજપના સંવેદનશીલ કાર્યકર્તામાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ શાંત જ્ઞાતી ગણાતી જૈન સમાજમાં કોઈ સંમેલન કે માઇકમાં જાહેરાત કર્યા વિના અંદર ખાને ભાજપને જય જિનેન્દ્ર કરે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણી સમયે અસ્મિતા આંદોલન કરનારા ક્ષત્રિય સમાજના આગેવાના પણ આ વખતે મ્યાનમાંથી તલવાર કાઢ્યા વિના મૂંગા મોઢે ક્ષત્રિય વસ્તી ધરાવનાર વિસ્તારોમાં ફરી રહ્યા છે અને તે પણ ભાજપ સામે જય માતાજીનો નારો લગાવશે એવી વાતો સંભળાઈ રહી છે. ટિકિટ ફાળવણીના સમયે રાજકોટમાં મોટી વસતી ધરાવનાર પટેલ સમાજે શીતલ પાર્ક ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં સૌપ્રથમ જય સરદારનો નારો લગાવ્યો હતો અને શહેરના અમુક વોર્ડમાં જય ઉમિયાજીનો મંત્ર શાંત રીતે ચાલી રહ્યો છે.
સામા કાંઠા વિસ્તારમાં કોળી સમાજમાંથી પુરુષને ટિકિટ નહી મળતા જય માંધાતાનું સૂત્ર વોર્ડ નં. ૫, ૬, ૧૫ માં ભાજપ સામે વહેતું થયાની પણ ચર્ચા જોવા મળે છે. રાજકીય પંડિતોનું માનવું છે કે, એકંદરે આ ચૂંટણીમાં ભાજપ ચોકઠાં ગોઠવવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે ભાજપે કરેલ જ્ઞાતીગત સમીકરણોનો સરવાળો આવતી કાલે મતદાન સમયે કેવો જોવા મળે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
