News of Monday, 13th July 2026
ભાજપ આપણા વિચારોને હાઇજેક કરી શકશે નહીં: કાશ્મીર શહીદ દિવસ પર મહેબૂબા મુફ્તીનો પ્રચંડ પ્રહાર
૧૯૩૧ના શહીદોને ભગતસિંહ અને ગાંધીજી સાથે સરખાવી પીડીપી પ્રમુખે ભાજપ પર લગાવ્યો ઇતિહાસને સાંપ્રદાયિક રંગ આપવાનો અને વિપક્ષી નેતાઓને નજરકેદ કરવાનો ગંભીર આરોપ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કાશ્મીર શહીદ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. શ્રીનગરમાં પક્ષના મુખ્યાલય ખાતે ૧૯૩૧ના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે ગર્જના કરી હતી કે, ભાજપ ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ તે કાશ્મીરીઓના વિચારો અને તેમની વિચારસરણીને ક્યારેય હાઇજેક કે ગુલામ બનાવી શકશે નહીં. મહેબૂબાએ રવિવારથી જ પોતાને અને તેમના પરિવારને નજરકેદ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરીને વહીવટીતંત્રના કડક પ્રતિબંધો સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
પોતાના નિવેદનમાં ઇતિહાસના પાના ખોલતા મહેબૂબા મુફ્તીએ ૧૯૩૧ના બલિદાનીઓને દેશના મહાન ક્રાંતિકારીઓ સાથે સરખાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ૧૯૩૧માં ડોગરા મહારાજાના શાસન અને અત્યાચાર સામે લડતા જે ૨૨ કાશ્મીરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે આપણા અસલી હીરો છે; બરાબર એ જ રીતે જે રીતે દેશ માટે ભગતસિંહ, સુખદેવ, અશફાકુલ્લાહ ખાન અને મહાત્મા ગાંધી હીરો છે. આ સાથે જ તેમણે ભાજપ પર તીખો કટાક્ષ કરતા ઉમેર્યું કે, જે રીતે નાથુરામ ગોડસે ભાજપના હીરો છે, તેવી જ રીતે લોકશાહી અને જનતાના શાસન માટે શહીદ થયેલા આ કાશ્મીરીઓ હંમેશા અમારા હીરો રહેશે અને કોઈ કાંટાળા તાર કે સરકારી પ્રતિબંધો આ સચ્ચાઈને બદલી શકશે નહીં.
પીડીપી ચીફે કેન્દ્ર સરકાર અને ભાજપ પર કાશ્મીરના ગૌરવશાળી ઇતિહાસને સાંપ્રદાયિક રંગ આપવાનો અને તેને હિન્દુ-મુસ્લિમ કે જમ્મુ-કાશ્મીરના વિવાદમાં ધકેલવાનો મોટો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૩ જુલાઈ ૧૯૩૧ના રોજ શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર મહારાજા હરિ સિંહના શાસન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન અંધાધૂંધ ફાયરિંગમાં ૨૨ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હતા, જેને કાશ્મીરી પક્ષો શહીદ દિવસ તરીકે ઉજવે છે. જો કે, વર્ષ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ એલજી વહીવટીતંત્ર દ્વારા આ દિવસની સત્તાવાર સરકારી રજા રદ કરવામાં આવી છે અને આ વર્ષે પણ શહીદ સ્મારક (નક્ષબંદ સાહિબ) તરફ જતા રસ્તાઓને સંપૂર્ણ સીલ કરીને કોઈને પણ ત્યાં જવા દેવામાં આવ્યા નહોતા.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
