News of Monday, 4th May 2026
બંગાળમાં મમતાના ગઢમાં ભાજપનું ગાબડું: ભવાનીપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મતગણતરી રોકાઈ, સુવેન્દુ અને મમતા બેનર્જી રૂબરૂ ટકરાયા
૨૯૪માંથી ૧૯૦થી વધુ બેઠકો પર ભાજપની પ્રચંડ સરસાઈ: બંગાળમાં પહેલીવાર ભગવો લહેરાવાની તૈયારી, મમતા સરકારના અનેક દિગ્ગજ મંત્રીઓની કારમી હારના સંકેત

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોમવારે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) બંગાળના રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાવ્યો છે. સૌથી મોટો હાઈવોલ્ટેજ ડ્રામા મુખ્યમંત્રી મમતા બેનર્જીની પોતાની બેઠક 'ભવાનીપુર'માં જોવા મળી રહ્યો છે, જ્યાં અંદાજે દોઢ કલાકથી મતગણતરી અટકાવી દેવામાં આવી છે. સ્થિતિ એટલી તંગ બની છે કે ખુદ મમતા બેનર્જી અને તેમના કટ્ટર હરીફ સુવેન્દુ અધિકારી મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે.
ભવાનીપુરમાં કાંટાની ટક્કર અને વિવાદ
ચૂંટણી પંચના આંકડા મુજબ ભવાનીપુરમાં અત્યાર સુધી ૧૩ રાઉન્ડની ગણતરી પૂરી થઈ છે, જેમાં મમતા બેનર્જી માત્ર ૫,૩૪૯ મતોથી આગળ ચાલી રહ્યા છે. જોકે, અન્ય રાઉન્ડમાં સુવેન્દુ અધિકારીએ તેમને જોરદાર ટક્કર આપી છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના (TMC) ઉમેદવારોએ ચૂંટણી પંચ પર 'મેનીપ્યુલેશન' અને પોસ્ટલ બેલેટના બોક્સ ખુલ્લા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે અનેક કેન્દ્રો પર હોબાળો મચી ગયો છે.
ભાજપની ઐતિહાસિક જીત તરફ કૂચ
બંગાળના રુઝાન અત્યારે સ્પષ્ટપણે ભાજપ તરફી લહેર દર્શાવી રહ્યા છે. ૧૯૩થી વધુ બેઠકો પર લીડ મેળવીને ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂક્યું છે. દાર્જિલિંગ, મેદિનીપુર અને આસનસોલ જેવી મહત્વની બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધી છે. દિલ્હીમાં પણ ભાજપ મુખ્યાલયે વિજય ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે.
દિગ્ગજ મંત્રીઓ પાછળ, ભાજપના કાર્યકરોમાં 'માછ-ભાત'ની જયાફત
મમતા સરકારના કદાવર મંત્રીઓ જેવા કે સુજીત બોસ, શશિ પાંજા અને મલય ઘટક પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ, જીતના ઉત્સાહમાં ડૂબેલા ભાજપના કાર્યકરોએ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભગવો અબીર ઉડાડ્યો છે અને એકબીજાને લાડુ-રસગુલ્લા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું છે. મુંબઈ અને કોલકાતામાં ભાજપના કાર્યાલયો પર કાર્યકરો માટે ખાસ 'માછ-ભાત' (માછલી અને ભાત) ની જયાફત રાખવામાં આવી છે.
હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ અને સુરક્ષા
મતગણતરી દરમિયાન કુચબિહાર અને આસનસોલમાં ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો મળ્યા છે, જ્યાં કેન્દ્રીય સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. રાજ્ય સચિવાલય 'નવાન્ન' ને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ શાંતિ જાળવી રાખવા માટે આજે કોઈપણ પ્રકારના વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બંગાળની જનતાએ આ વખતે ૯૨.૪૭% જેટલું વિક્રમી મતદાન કરીને પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. જો રુઝાન પરિણામોમાં બદલાશે, તો બંગાળમાં દાયકાઓ પછી એક નવો રાજકીય સૂર્યોદય થશે અને ભાજપ પ્રથમવાર સત્તાના સિંહાસન પર બિરાજશે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
