તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 12th May 2026
પાકિસ્તાનમાં ફરી લોહીની હોળી: પોલીસ વાહનને નિશાન બનાવી ભીડભાડવાળા બજારમાં પ્રચંડ વિસ્ફોટ, ૨ જવાન સહિત ૭ ના કરુણ મોત
ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવતમાં આતંકી હુમલો: આખા વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરી, બન્નુમાં ૧૫ જવાનોની શહાદત બાદ ફરી પાકિસ્તાન બોમ્બ ધડાકાથી ધ્રુજ્યું

ઇસ્લામાબાદ, તા. ૧૨: પાકિસ્તાનનો ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા ફરી એકવાર બોમ્બ ધડાકાના ગુંજારવથી ધ્રૂજી ઉઠ્યો છે. મંગળવારે લક્કી મારવત જિલ્લામાં પોલીસના વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા એક ભીષણ વિસ્ફોટમાં બે પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ હુમલો એટલો પ્રચંડ હતો કે ગીચ બજાર વિસ્તારમાં લાશોના ઢગલા થઈ ગયા હતા અને સર્વત્ર અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો.
બજારમાં મોતનું તાંડવ
મળતી માહિતી મુજબ, લક્કી મારવત જિલ્લામાં જ્યારે પોલીસનું વાહન નિયમિત પેટ્રોલિંગ પર હતું, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા હેઠળ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ધડાકો એક ભીડભાડવાળા બજારમાં થયો હોવાથી નિર્દોષ નાગરિકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલા દ્રશ્યોમાં ચારેબાજુ ધુમાડાના ગોટા, લોહીના ડાઘ અને સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ઘાયલોની સંખ્યા ઘણી વધારે હોવાનું મનાય છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તપાસનો ધમધમાટ પણ જવાબદારી કોઈએ ન લીધી
વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બોમ્બ નિકાલ ટુકડી (BDU) ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરી રહી છે કે આ આત્મઘાતી હુમલો હતો કે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર થતા હુમલાઓમાં ચિંતાજનક વધારો થયો છે.
બન્નુ હુમલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજો કાંડ
નોંધનીય છે કે, હજુ શનિવારે જ બન્નુમાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકો ભરેલું વાહન પોલીસ ચોકી સાથે અથડાવ્યું હતું, જેમાં ૧૫ પોલીસકર્મીઓ શહીદ થયા હતા. પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં વધતી જતી આ હિંસાએ ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાન અત્યારે એક તરફ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ આતંકવાદનો અજગર તેને ગળી રહ્યો હોય તેમ જણાય છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
