<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ઈન્દોરના ડાક કુંજ કોલોનીમાં લોહિયાળ હત્યાકાંડ: પતિએ બાળકોને શાળાએ મૂકી, રસ્તામાં એટીએમ કાર્ડ અને પિન આપી, ઘરે આવીને પત્નીને પતાવી દીધી

​પોસ્ટલ આસિસ્ટન્ટ ઉર્મિલા સૈનીની હત્યા પાછળ વર્ષો જૂનો કૌટુંબિક કલેશ અને પતિની શંકાશીલ માનસિકતા જવાબદાર હોવાનો ઘટસ્ફોટ; આરોપી પતિ અખિલેશ સૈની ઘટનાને અંજામ આપી ફરાર થતા પોલીસની ચાર ટીમો દ્વારા સઘન શોધખોળ શરૂ

​ઈન્દોર: ઈન્દોરના ડાક કુંજ કોલોની વિસ્તારમાં આવેલી સરકારી આવાસમાં સર્જાયેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. પોસ્ટલ વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી ૩૮ વર્ષીય ઉર્મિલા સૈનીની તેમના જ પતિ દ્વારા કરવામાં આવેલી ઘાતકી હત્યાએ ચકચાર જગાવી છે. આ હત્યાકાંડની જે વિગતો સામે આવી છે, તે કોઈપણ વ્યક્તિના રૂંવાડા ઉભા કરી દે તેવી છે. પતિ અખિલેશ સૈનીએ આયોજનબદ્ધ રીતે આ આખી ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

​બાળકો સાથેનું છેલ્લું વર્તન અને ક્રૂર આયોજન

પોલીસ તપાસમાં મળેલી માહિતી મુજબ, આરોપી પતિ અખિલેશ સૈનીએ ઘટનાના દિવસે ખૂબ જ ઠંડા કલેજે પોતાના ૧૪ વર્ષીય પુત્રી અને ૭ વર્ષીય પુત્રને શાળાએ મુકવા ગયો હતો. રસ્તામાં તેણે પુત્રીને ઘરની ચાવી, એટીએમ કાર્ડ અને તેની પિન આપી હતી. એટલું જ નહીં, તેણે બાળકોને નિર્દેશ આપ્યો હતો કે શાળા છૂટ્યા પછી તેમણે ઘરે જવાને બદલે સીધા તેમના સંબંધીના ઘરે જતા રહેવું. તેણે બાળકોને એવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે તે અને ઉર્મિલા કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છે. બાળકોને વિદાય આપ્યા બાદ અખિલેશ પરત ઘરે આવ્યો હતો, જ્યાં તેણે ધારદાર હથિયાર વડે પત્ની ઉર્મિલા પર હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી દીધી હતી.

​શાળાએથી પરત ફરેલા સંતાનોની આંખ સામે જ માતાની લાશ

જ્યારે બાળકો શાળાએથી સંબંધીના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને કંઈક અજુગતું લાગ્યું. ત્યારબાદ તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોતા જ તેમની માતા ઉર્મિલા લોહીના ખાબોચિયામાં પડેલા હતા. બાળકોએ તરત જ આ અંગે તેમના નાના (માતાના પિતા)ને જાણ કરી, જેમણે પોલીસને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. ઉર્મિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.

​વર્ષોનો કૌટુંબિક વિખવાદ અને શંકાનો રાક્ષસ

મૃતક ઉર્મિલાના ભાઈ રાજકુમાર માલાકરના જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. અખિલેશ પત્નીના ચારિત્ર્ય પર ખોટી શંકા કરતો હતો અને સતત તેમના મોબાઈલ પર નજર રાખતો હતો. ભોપાલમાં રહેતા હતા ત્યારથી જ બંને વચ્ચે ઝઘડા થતા હતા, જેનો પોલીસમાં પણ ઉલ્લેખ થયો હતો. ઉર્મિલા પોતાના બાળકોના ભવિષ્ય માટે આ સંબંધને ટકાવી રાખવા મજબૂર હતી, પરંતુ તેની આ સહનશીલતા અંતે તેના મૃત્યુનું કારણ બની.

​પોલીસની તપાસ અને આરોપીની શોધખોળ

ઘટનાની ગંભીરતાને જોતા એસીપી નીતિ દંડોતિયાએ જણાવ્યું હતું કે, આરોપી અખિલેશ સૈનીની ધરપકડ કરવા માટે પોલીસની ચાર વિશેષ ટીમો બનાવી દેવામાં આવી છે. પોલીસ અત્યારે શહેરના રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ આરોપીની માનસિકતા અને હત્યાના ચોક્કસ કારણોને જાણવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલમાં બંને બાળકો આઘાતની સ્થિતિમાં હોવાથી તેમના નિવેદન લેવામાં આવ્યા નથી. આ ઘટનાએ ડાક કુંજ કોલોનીમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

(1:20 PM IST)