<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

યુએઈમાં રક્તરંજિત સવાર : બસ અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ભારતીયો સહિત 13 મુસાફરોના કરુણ મોત, 14 ઘાયલ

રાસ અલ ખૈમાહના અલ વતન રોડ પર વહેલી સવારે કાળમુખી દુર્ઘટના સર્જાઈ : 41 મુસાફરોથી ભરેલી બસ રસ્તા કિનારે ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા હાહાકાર મચ્યો : દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે મદદ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

દુબઈ : સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના રાસ અલ ખૈમાહ વિસ્તારમાં મંગળવારની વહેલી સવાર મુસાફરો માટે કાળમુખી સાબિત થઈ છે. અહીંના અલ વતન રોડ પર 41 મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ અને રસ્તા કિનારે ઉભેલી ટ્રક વચ્ચે અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 14 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે મૃતકોમાં ભારતીય નાગરિકો સામેલ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.

સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, આ અકસ્માત મંગળવારે વહેલી સવારના સમયે થયો હતો. એક ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને અલ વતન રોડની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન 41 મુસાફરો ભરેલી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા બસ સીધી જ ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે ઘાયલ મુસાફરોએ દમ તોડતા મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. હાલમાં અન્ય 14 ઘાયલ મુસાફરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ દુખદ ઘટના અંગે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. ભારતીય અધિકારીઓ શોકગ્રસ્ત પરિવારોના સતત સંપર્કમાં છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન સાધીને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. અસરગ્રસ્ત પરિવારોની સહાયતા માટે દૂતાવાસે 24 કલાક કાર્યરત રહેતો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 800-46342 પણ જાહેર કર્યો છે, જેના પર સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી શકાશે.

(11:38 PM IST)