તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Tuesday, 17th November 2026
પાકિસ્તાનથી આયાત કરાયેલા મીઠાના નામે રૂ.૨૦૦૦ કરોડનું બોગસ ઇમ્પોર્ટ સ્કેમ
કંડલા, મુન્દ્રા, ગાંધીધામ અને વેરાવળ સહિત ૨૫ સ્થળોએ DRIના દરોડાઃ ચાર માસ્ટરમાઇન્ડની ધરપકડ, ત્રણ શંકાસ્પદની અટકાયત

નવી દિલ્હી,તા.૧૭: ગુજરાતના કંડલા અને મુન્દ્રા પોર્ટ મારફતે આયાત-નિકાસના નામે આચરવામાં આવેલા અંદાજે ૨,૦૦૦ કરોડથી વધુના બોગસ આયાત કૌભાંડનો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનથી આયાત કરવામાં આવતા મીઠાના જથ્થાને ખોટા દસ્તાવેજો અને ઇન્વોઇસના આધારે અન્ય દેશમાંથી આયાત કરાયેલો દર્શાવી કસ્ટમ્સ પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. આ ઉપરાંત સેન્ટેડ તમાકુની ખોટી નિકાસના કેસમાં પણ તપાસનો રેલો પહોંચ્યો છે. DRI અધિકારીઓએ કંડલા, મુન્દ્રા, ગાંધીધામ અને વેરાવળ સહિતનાં વિસ્તારોમાં ૨૫ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
તપાસમાં જણાયુ છે કે પાકિસ્તાનથી મોટા જથ્થામાં કન્ટેનર મારફતે મીઠું શ્રીલંકા મોકલવામાં આવતું હોવાનું દર્શાવાતું હતું. ત્યારબાદ શ્રીલંકાથી દુબઈ પોર્ટ પર કન્ટેનર પહોંચ્યું હોવાનું બતાવી ખોટા દસ્તાવેજો અને ઇન્વોઇસ તૈયાર કરવામાં આવતા હતા. તેના આધારે કંડલા પોર્ટ ખાતે મીઠું દુબઈથી આયાત થયું હોવાનું દર્શાવી ગેરરીતિ આચરાતી હોવાની આશંકા છે.
આ રીતે આયાત કરાયેલું મીઠું સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરી ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં મોટા વેપારીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. વેપારીઓ પોતાની બ્રાન્ડ અને લેબલ લગાવીને તેનું વેચાણ કરતા હોવાની પણ આશંકા છે.
DRIએ કંડલા પોર્ટ પર પાંચ કન્ટેનર રોક્યાં છે, જ્યારે પોર્ટની બહાર નીકળી ગયેલાં આશરે ૪૦૦ કન્ટેનરની તપાસ શરૂ કરી છે. અંદાજે રૂ. ૫૦૦ કરોડથી વધુનો મીઠાનો જથ્થો પોર્ટની બહાર પહોંચી ગયો હોવાની વિગતો ખૂલી છે. બીજી તરફ, રૂ. ૧૫ કરોડનો આયાતી માલ બજારમાં ડાયવર્ટ થાય તે પહેલાં જ અટકાવી લેવામાં આવ્યો છે. તપાસમાં ગાંધીધામની સિલ્ક રૂટ ગ્લોબલ અને બાય સ્કાય તથા વેરાવળની ઉન્નતિ કોર્પોરેશન સહિતની પેઢીઓની ભૂમિકા ખૂલી છે. ઉન્નતિ કોર્પોરેશનના માલિક જીતેન્દ્ર ભાનુશાલી, બોરીચા જય મંગારામ અને કસ્ટમ હાઉસ એજન્ટ શેરારામ મહેરા સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મીઠાની આયાત ઉપરાંત સેન્ટેડ તમાકુની ખોટી નિકાસનું કૌભાંડ પણ તપાસ હેઠળ છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) મારફતે બોગસ નિકાસ દર્શાવાઈ હોવાની વિગતો પણ બહાર આવી છે. કસ્ટમ વિભાગ અને ડેવલપમેન્ટ કમિશનરની કચેરીના અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા છે. હાલ DRI દ્વારા કન્ટેનરોની હેરફેર, નાણાકીય વ્યવહારો અને બજારમાં માલ પહોંચાડનારા વેપારીઓની કડીઓ જોડવામાં આવી રહી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
