News of Thursday, 7th May 2026
બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીની કરુણ કહાની: પુત્રની કબર પર ધ્રુસકેને ધ્રુસકે રડી પડી અભિનેત્રી, છૂટાછેડાના જંગ વચ્ચે સંતાનોને મળવા માટે તરસી રહી છે માતા
ઓસ્ટ્રિયામાં કોર્ટની સુનાવણી દરમિયાન આંચકો: "મારા બાળકોને છુપાવી દેવામાં આવ્યા, હું માત્ર મૃત પુત્રને જ મળી શકી", પતિ સામે ઘરેલું હિંસા અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો

મુંબઈ: પૂર્વ મિસ ઇન્ડિયા અને બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી હાલમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પતિ પીટર હાગ સાથે ચાલી રહેલા કાયદાકીય જંગ અને છૂટાછેડાની લડાઈ વચ્ચે સેલિનાએ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના સ્વર્ગસ્થ પુત્ર શમશેરની કબર સાફ કરતી અને રડતી જોવા મળી રહી છે. સેલિનાએ લખ્યું છે કે, "હું જે આઘાત અને પીડામાંથી પસાર થઈ રહી છું તે દુનિયાને બતાવવા માટે મારી પાસે આ વીડિયો શેર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો."
માત્ર મૃત પુત્રને જ મળી શકી!
સેલિનાએ ૨૦૧૭માં તેના જોડિયા બાળકોના જન્મ સમયે હૃદયની ગંભીર બીમારીને કારણે પુત્ર શમશેરને ગુમાવ્યો હતો. હાલમાં તે તેના અન્ય ત્રણ બાળકોની કસ્ટડી માટે ઓસ્ટ્રિયામાં લડાઈ લડી રહી છે. સેલિનાએ આક્ષેપ કર્યો છે કે, "ઓસ્ટ્રિયન કોર્ટના આદેશ છતાં મને મારા બાળકોને મળવા દેવામાં આવતા નથી. તેમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આટલી મુસાફરી કર્યા પછી હું માત્ર મારા એ પુત્રને જ મળી શકી જે હવે આ દુનિયામાં નથી."
કરિયર અને સંપત્તિનું બલિદાન છતાં મળ્યો દગો
અભિનેત્રીનો આરોપ છે કે તેણે પોતાના પતિના કરિયર માટે ભારત, દુબઈ, સિંગાપોર અને ઓસ્ટ્રિયા જેવા દેશોમાં સ્થળાંતર કર્યું અને પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું. સેલિનાએ ભાવુક થઈને લખ્યું કે, "મેં મારા પતિના સપનાઓ માટે બધું જ છોડી દીધું, પણ બદલામાં મને માનસિક શોષણ અને છેતરપિંડી મળી. આજે મારી સંપત્તિ પડાવી લેવામાં આવી છે અને મને મારા જ બાળકો સાથે વાત કરવા દેવામાં આવતી નથી. બાળકોને મારા વિરુદ્ધ ભડકાવવામાં (બ્રેઈનવોશ) આવી રહ્યા છે."
૧૫મી વર્ષગાંઠ પર મળ્યો છૂટાછેડાનો આંચકો
સેલિનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે તેમની લગ્નની ૧૫મી વર્ષગાંઠ હતી, ત્યારે તેના પતિએ ગિફ્ટ અપાવવાના બહાને તેને પોસ્ટ ઓફિસ બોલાવી હતી અને ત્યાં તેને છૂટાછેડાની નોટિસ પકડાવી દીધી હતી. સેલિનાએ નવેમ્બર ૨૦૨૫માં પીટર હાગ સામે ઘરેલું હિંસા અને ક્રૂરતાનો કેસ દાખલ કર્યો છે, જેમાં તેણે ૫૦ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચાહકો સેલિનાની આ હિંમતની દાદ આપી રહ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
