<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

મહારાષ્ટ્રમા જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા, લેઝર લાઇટ પર બોમ્બે હાઇકોર્ટે પ્રતિબંધ મુક્યો

જાહેર રસ્તાઓથી લઈને સરઘસોમાં ઉપયોગમાં લેવાતી લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ સુધી અનેક બાબતો પર નિયંત્રણ:આયોજકો માટે સિક્યોરિટી ડિપોઝિટ અને ડેસિબલ મોનિટરિંગની જોગવાઈ

મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા તથા લેસર લાઇટના ઉપયોગને લઈને બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ દિશાનિર્દેશો જાહેર કર્યા છે. 22 સપ્ટેમ્બરે જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની ડિવિઝન બેન્ચે તહેવારો દરમિયાન Noise Pollution અને Air Pollutionને નિયંત્રિત કરવા માટે અનેક નિર્દેશો આપ્યા હતા.

 

કોર્ટના નિર્દેશ મુજબ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ અને માર્ગો પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોર્ટએ ફટાકડાથી થતા હવા અને ધ્વનિ પ્રદૂષણ તેમજ જાહેર રસ્તાઓ પર અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને આ દિશાનિર્દેશ આપ્યો છે. ખાનગી સ્થળોએ પણ ફટાકડાનો ઉપયોગ લાગુ પડતી ડેસિબલ મર્યાદાના નિયમોને આધીન રહેશે.

 

 

તહેવારો અને ધાર્મિક સરઘસોમાં લેસર લાઇટ, હાઈ-ઇન્ટેન્સિટી લ્યુમેન લાઇટ અને બીમના ઉપયોગ પર પણ રોક મૂકવામાં આવી છે. મુંબઈ, થાણે, પુણે અને નાશિક જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં વધુ પડતા અવાજથી નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

 

તહેવાર અથવા સરઘસ માટે મંજૂરી આપતી વખતે આયોજકો પાસેથી ગ્રુપ કે સંસ્થા માટે ઓછામાં ઓછા ₹1 લાખ અને વ્યક્તિ માટે ₹50 હજારની સિક્યોરિટી ડિપોઝિટ લેવાની જોગવાઈ અંગે કોર્ટે નિર્દેશ આપ્યો છે. ડેસિબલ મર્યાદાનો ભંગ થાય તો આ રકમ જપ્ત થઈ શકે છે.

 

આયોજકોએ કાર્યક્રમ અથવા સરઘસ દરમિયાન જાહેરમાં સ્પષ્ટ દેખાય તેવા ડેસિબલ મીટર લગાવવાના રહેશે. સાથે જ સાઉન્ડ સિસ્ટમમાં ઈન્ટરનલ સાઉન્ડ લિમિટર રાખવાનો રહેશે. અધિકારીઓએ અવાજનું સ્તર માપીને તેનું રેકોર્ડિંગ પણ જાળવવાનું રહેશે.

 

પોલીસ અને સંબંધિત અધિકારીઓને મંજૂરી વિના અથવા નિયમોનું ઉલ્લંઘન કરતી સાઉન્ડ સિસ્ટમ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ સાધનો જપ્ત થઈ શકે છે અને Noise Pollution Rules, Environment (Protection) Act, Explosives Act તથા BNS સહિતના લાગુ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

 

હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને આ દિશાનિર્દેશોનો સમગ્ર મહારાષ્ટ્રમાં અમલ કરવા જણાવ્યું છે. સાથે જ સરઘસની શરૂઆત પહેલાં આયોજકોને તેમના નિયમો અને જવાબદારીઓ અંગે માહિતગાર કરવા તથા મંજૂરીની વિગતો જાહેરમાં દર્શાવવાની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપ્યો છે.

(9:11 PM IST)