<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

પૌત્રીની નિર્મમ હત્યા કેસમાં દાદાના જામીન ફગાવતી બોમ્બે હાઈકોર્ટ: 'આઝાદીના ૮૦ વર્ષ પછી પણ દેશમાં દીકરા માટે ઘેલછા અને પુત્રી પ્રત્યે પક્ષપાત ચિંતાજનક'

ગઢચિરોલીમાં બીજી દીકરી જન્મતાં જ એક મહિનાની માસૂમ બાળકીને ટબમાં ડૂબાડી મારી નાખનાર દાદાને કોર્ટે રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

મુંબઈ : આઝાદીના દાયકાઓ વીતી ગયા હોવા છતાં આજે પણ સમાજના અમુક વર્ગમાં દીકરાની ઘેલછા અને દીકરી પ્રત્યેનો ધિક્કાર કેવો ભયાનક વળાંક લઈ શકે છે, તેનો એક કાળજું કંપાવી દેનારો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. ગઢચિરોલી જિલ્લામાં પરિવાર બીજી દીકરી ઇચ્છતો ન હોવાથી પોતાની જ એક મહિનાની પૌત્રીની નિર્મમ હત્યા કરનાર દાદા ગોપીનાથ જાનકુ પ્રધાનની જામીન અરજીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ફગાવી દીધી છે. જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે સમાજની આ માનસિકતા પર અત્યંત કડક અને માર્મિક ટિપ્પણી કરી છે.

 

અદાલતમાં જસ્ટિસ એમ. એમ. નેરલિકરે આરોપીની અરજી ફગાવતાં આઘાત વ્યક્ત કર્યો હતો કે, "તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશમાં લોકો હજુ પણ પુત્રને જ પ્રાધાન્ય આપે છે અને પુત્રી પ્રત્યે પક્ષપાત રાખે છે." કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનું વર્તન, માનસિકતા અને ગુનો આચરવાની જે નિર્દય પદ્ધતિ હતી, તેને ધ્યાનમાં રાખીને તેને કોઈ પણ સંજોગોમાં જામીન પર મુક્ત કરી શકાય નહીં.

 

આ ચર્ચાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના વર્ષ ૨૦૨૩માં મહારાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા ગઢચિરોલી જિલ્લામાં બની હતી. પરિવારમાં પહેલેથી જ એક દીકરી હતી અને બીજી પણ દીકરી જ જન્મી હોવાથી પરિવારે આ માસૂમ બાળકીથી છુટકારો મેળવવાનું કાવતરું રચ્યું હતું. આરોપી દાદા ગોપીનાથ પ્રધાને માત્ર એક જ મહિનાની પીંછાં જેવી નાજુક પૌત્રીને પાણીના ટબમાં ડૂબાડીને મારી નાખી હતી અને ત્યારબાદ ગુનાના પુરાવા મિટાવવાના હેતુથી બાળકીના મૃતદેહને છૂપી રીતે જમીનમાં દાટી દીધો હતો.

 

પરંતુ આ રહસ્યમય સંજોગોમાં બાળકી ગાયબ થઈ જતાં એક સ્થાનિક રહેવાસીને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જમીનમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાળકીના ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેનું મૃત્યુ પાણીમાં ડૂબવાના કારણે શ્વાસ રૂંધાઈ જવાથી થયું હતું. જે બાદ પોલીસે દાદા ગોપીનાથ પ્રધાન વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

 

આરોપી દાદાએ હાઈકોર્ટમાં પોતાની જામીન અરજીમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને દલીલ કરી હતી કે આ કેસમાં સહ-આરોપી એવી બાળકીની માતાને અગાઉથી જ જામીન મળી ચૂક્યા છે, તેથી તેને પણ મુક્ત કરવામાં આવે. જોકે, હાઈકોર્ટે આ દલીલને ફગાવી દઈને સ્પષ્ટ કર્યું કે માસૂમ બાળકીની હત્યા જેવા અત્યંત ગંભીર અને વિકૃત માનસિકતા દર્શાવતા ગુનામાં આરોપીને કોઈ પણ પ્રકારની આસાન રાહત આપી શકાય નહીં.

 

(6:22 PM IST)