News of Friday, 4th September 2026
મેડિકલના વિદ્યાર્થીઓ માટે બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ: 'MBBSના પ્રથમ વર્ષમાં ૪ થી વધુ અટેમ્પ્ટ નહીં મળે, ભલે ગમે તે વિષયની પરીક્ષા આપી હોય!'
એનાટોમી વિષયમાં પાંચમા અટેમ્પ્ટની માંગણી કરતી વિદ્યાર્થિનીની અરજી ફગાવી: નેશનલ મેડિકલ કમિશન (NMC) ના ૨૦૨૩ ના કડક નિયમો પર અદાલતે લગાવી મંજૂરીની મહોર

મુંબઈ : મેડિકલ અભ્યાસક્રમ (MBBS) માં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. અદાલતે આદેશ આપ્યો છે કે પ્રથમ વર્ષ (ફર્સ્ટ પ્રોફેશનલ) MBBS નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને સમગ્ર પ્રથમ વર્ષ માટે મહત્તમ ૪ અટેમ્પ્ટ (પ્રયાસો) જ આપવામાં આવશે, પછી ભલે તેણે દરેક અટેમ્પ્ટમાં અલગ-અલગ વિષયોની પરીક્ષા આપી હોય. ૪ અટેમ્પ્ટ પૂરા થયા બાદ વિદ્યાર્થીને વધુ કોઈ તક મળશે નહીં.
એનાટોમીની પરીક્ષામાં બેસવા વિદ્યાર્થિનીની અરજી:
જસ્ટિસ ફિરદોશ પી. પૂનીવાલા અને જસ્ટિસ આર. આઈ. ચાંગલાની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ (MUHS) ની વિદ્યાર્થિની આર્યા અવિનાશ પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર આ ચુકાદો સંભળાવ્યો હતો. અરજદારે ઓગસ્ટ ૨૦૨૩ માં પ્રવેશ લીધો હતો અને એનાટોમી વિષયની થિયરી પરીક્ષામાં સતત નિષ્ફળ ગયા બાદ વધુ એક વાર (ચોથી વાર એનાટોમી માટે) પરીક્ષામાં બેસવાની પરવાનગી માગી હતી.
વિદ્યાર્થિનીની દલીલ અને NMC નો નિયમ:
અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે ખાસ કરીને 'એનાટોમી' પેપર માટે માત્ર ત્રણ જ અટેમ્પ્ટ આપ્યા છે, તેથી તેને વધુ એક તક મળવી જોઈએ. સામે પક્ષે યુનિવર્સિટીએ ૨૦૨૩ ના રેગ્યુલેશન ૨૧ નો હવાલો આપ્યો હતો, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે MBBS ના પ્રથમ વર્ષ માટે કોઈપણ સંજોગોમાં ૪ થી વધુ અટેમ્પ્ટ આપી શકાશે નહીં. અરજદાર પહેલાથી જ પ્રથમ વર્ષ હેઠળ કુલ ૪ અટેમ્પ્ટ પૂરા કરી ચૂકી હતી.
હાઈકોર્ટે અરજી ફગાવી દીધી:
બોમ્બે હાઈકોર્ટે રેગ્યુલેશન ૨૧ નું સમર્થન કરતાં ઠરાવ્યું કે નિયમમાં 'પ્રથમ વર્ષ માટે ૪ અટેમ્પ્ટ' નો ઉલ્લેખ છે, નહીં કે વિષયવાર અટેમ્પ્ટનો. વિદ્યાર્થીએ કયા કયા વિષયોની પરીક્ષા આપી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ૪ પ્રયાસો પૂર્ણ થઈ ગયા હોવાથી વિદ્યાર્થિનીને એનાટોમીની પરીક્ષામાં ફરી બેસવાની મંજૂરી આપી શકાય નહીં. આ સાથે જ કોર્ટે વિદ્યાર્થિનીની અરજી ફગાવી દીધી હતી.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
