News of Friday, 8th May 2026
બ્રિટાનિયા બિસ્કિટ વધુ મોંઘા થશે અને પેકેટનું વજન પણ ઘટશે
પામ ઓઈલ અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ભાવને કારણે કંપનીએ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૮: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા હવે માત્ર સમાચારો પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેની સીધી અસર સામાન્ય માણસના સવારના નાસ્તા પર પડવા જઈ રહી છે. દેશની દિગ્ગજ બિસ્કિટ કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે તેના લોકપ્રિય બિસ્કિટના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ રક્ષિત હરગવેએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વધતા જતા ઇનપુટ કોસ્ટ, ખાસ કરીને પામ ઓઈલ અને પેકેજિંગ મટિરિયલના ભાવોએ કંપનીને આ કડક નિર્ણય લેવા મજબૂર કરી છે. આ ફેરફાર હેઠળ, રૂ.૧૦ થી વધુ કિંમતના પ્રીમિયમ પેકેટ્સ મોંઘા થશે, જ્યારે રૂ.૫ અને રૂ.૧૦ ના લોક-યિ પેકેટ્સની કિંમત ભલે સ્થિર રહે, પરંતુ તેની અંદર મળતા બિસ્કિટની સંખ્યા અથવા ગ્રામ (વજન) માં ઘટાડો કરવામાં આવશે, જેને અર્થશાષાની ભાષામાં શ્રિંકફ્લેશન કહેવામાં આવે છે.
આ ભાવ વધારા પાછળનું મુખ્ય ગણિત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં રહેલું છે. બિસ્કિટ બનાવવામાં મુખ્યત્વે વપરાતા પામ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા તણાવને કારણે દરિયાઈ માર્ગે થતા વેપારમાં અવરોધો ઉભા થયા છે, જેનાથી નૂર (ફ્રેટ) અને ઈંધણના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. બ્રિટાનિયાએ જણાવ્યું છે કે જોકે તેઓએ આગામી પાંચ મહિના માટે પામ ઓઈલનો સ્ટોક સુરક્ષિત કરી લીધો છે, પરંતુ લાંબા ગાળાના નફાકારકતાના માર્જિનને ટકાવી રાખવા માટે ગ્રાહકો પર આ બોજ નાખવો અનિવાર્ય બન્યો છે. આર્થિક પરિણામોમાં કંપનીનો નફો વધવા છતાં વેચાણની આવક અપેક્ષા કરતા ઓછી રહેતા શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી.
બીજી તરફ, બ્રિટાનિયા અત્યારે બજારમાં માત્ર મોંઘા કાચા માલ સામે જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્પર્ધા સામે પણ ઝઝૂમી રહી છે. ગ્રામીણ બજારો, જે કંપનીના કુલ વેચાણમાં ૨૫% હિસ્સો ધરાવે છે, ત્યાં ઘણી હરીફ કંપનીઓએ રૂ.૫ ના બદલે રૂ.૪.૫૦ જેવા ઓડ પ્રાઇસ પોઇન્ટ્સ પર બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું છે, જે દુકાનદારોને વધુ માર્જિન આપે છે. આ પડકારને પહોંચી વળવા માટે બ્રિટાનિયાએ તેની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં પણ ફેરફાર કર્યા છે, જેમાં ઓમાન સ્થિત ઉત્પાદનને હવે ગુજરાતના મુન્દ્રા બંદર પર લાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આગામી ક્વાર્ટરથી બજારમાં આ નવા ભાવ અને નવા પેકિંગ અમલી બનશે, જે ગળહિણીઓના બજેટ પર ચોક્કસપણે અસર કરશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
