<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

બ્રિટનમાં બ્રિટિશ શીખ બસ ડ્રાઇવર પર હિંસક હુમલો: હુમલાખોરે બસ લૂંટીને રોંગ સાઇડમાં હંકારી, અનેક વાહનોને મારી ટક્કર!

સોશિયલ મીડિયા પર ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થતાં ચકચાર: વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે લૂંટ અને ભયાનક ડ્રાઇવિંગના આરોપસર એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી

લંડન:બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફરજ પર તૈનાત એક બ્રિટિશ શીખ બસ ડ્રાઇવર પર અજાણ્યા વ્યક્તિએ અચાનક હિંસક હુમલો કરી દીધો હતો. હુમલાખોરે ડ્રાઇવર સાથે મારપીટ કરીને તેને બસમાંથી બહાર ફેંકી દીધો હતો અને ત્યારબાદ સમગ્ર બસનો કબજો લઈ લૂંટ ચલાવી હતી. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર બ્રિટનમાં ચકચાર મચી ગઈ છે.

 

મળતી માહિતી મુજબ, ડ્રાઇવરને નીચે ફેંકી દીધા બાદ હુમલાખોરે પાર્ક વેથી હાઇ સ્ટ્રીટ તરફના વ્યસ્ત માર્ગ પર બસને રોંગ સાઇડ (ખોટી દિશા)માં પૂરપાટ ઝડપે દોડાવી હતી. આ ખતરનાક ડ્રાઇવિંગ દરમિયાન રસ્તામાં આવતા અનેક વાહનો સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. આખરે થોડે દૂર જઈને બસ રોકાતાં, પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને લૂંટ અને જોખમી ડ્રાઇવિંગના શંકાના આધારે એક આરોપી યુવકની અટકાયત કરી લીધી હતી.

 

પોલીસે તપાસ તેજ કરી, ડેશકેમ અને સીસીટીવી ફૂટેજ માંગ્યા

 

ડિટેક્ટીવ સાર્જન્ટ ટિઘ લેનીએ જણાવ્યું હતું કે, હુમલામાં સદનસીબે અન્ય કોઈ મુસાફરોને ગંભીર ઈજા થઈ નથી, જ્યારે બસ ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ પહોંચતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો તેમની પાસે કોર્ટ સ્ટ્રીટ, પાર્ક વે કે હાઇ સ્ટ્રીટ વિસ્તારના ડેશકેમ, સીસીટીવી અથવા મોબાઇલ ફૂટેજ હોય તો તેઓ તપાસમાં મદદ માટે પોલીસનો સંપર્ક કરે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને ઘટના પાછળના મુખ્ય કારણો જાણવા આગળની તપાસ ચાલુ છે.

(8:28 PM IST)