News of Friday, 17th April 2026
સંભલમાં સરકારી જમીન પર 'બુલડોઝર'નો ગુંજારવ: ૩૫ ફૂટ ઊંચા મિનારા જમીનદોસ્ત!
મુબારકપુર બંધ ગામમાં રમતના મેદાનની જમીન પર બનેલી ગેરકાયદે મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ વહીવટીતંત્રની કડક કાર્યવાહી : બે હાઇડ્રા મશીનો અને ભારે પોલીસ કાફલા વચ્ચે અતિક્રમણ હટાવાયું

લખનૌ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ વહીવટીતંત્રનું અભિયાન હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર બંધ ગામમાં જ્યારે બે વિશાળ હાઇડ્રા મશીનો અને બુલડોઝરોએ ગર્જના કરી, ત્યારે જોતજોતામાં ૩૫ ફૂટ ઊંચા મસ્જિદના મિનારા ધરાશાયી થઈ ગયા. મહેસૂલ રેકોર્ડ મુજબ, જે ૭૦૦ ચોરસ મીટર જમીન બાળકોના રમતના મેદાન અને ખાતરના ખાડા માટે અનામત રાખવામાં આવી હતી, તેના પર મસ્જિદ, ગૌસુલ મદરેસા અને પાંચ દુકાનો તાણી બાંધવામાં આવી હતી. ડીએમ અને એસપીની સીધી દેખરેખ હેઠળ ચાલેલી આ કાર્યવાહીએ સરકારી મિલકત પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
આ ડિમોલિશનની ખાસ વાત એ રહી કે વહીવટીતંત્રે ૨૮ માર્ચે માપણી કર્યા બાદ અતિક્રમણ હટાવવા માટે ૧૫ દિવસની મુદ્દત આપી હતી. કાયદાના ડરથી મસ્જિદ સમિતિએ પોતે જ દુકાનો અને મદરેસા તોડી પાડવાનું શરૂ કર્યું હતું, પરંતુ મસ્જિદના મુખ્ય માળખા અને ઊંચા મિનારા તોડવા માટે સમિતિએ વહીવટીતંત્ર પાસે બુલડોઝરની મદદ માંગી હતી. તહસીલદાર ધીરેન્દ્ર કુમાર સિંહના નેતૃત્વમાં, RRF અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટના એ વાતનો પુરાવો છે કે હવે જનતા પણ ગેરકાયદે બાંધકામો હટાવવા માટે કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપી રહી છે.
સંભલમાં આ માત્ર એકલદોકલ ઘટના નથી; આ પહેલા બિછોલીમાં ઇમામબારા અને ઇદગાહ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે કબજા પર પણ બુલડોઝર ફરી વળ્યું હતું. ડીએમ ડૉ. રાજેન્દ્ર પેન્સિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૨૫ હેક્ટર જેટલી વિશાળ સરકારી જમીનને અતિક્રમણકારોના પંજામાંથી મુક્ત કરાવવામાં આવી છે. વહીવટીતંત્ર હવે આ તમામ જમીનો માટે એક 'લેન્ડ બેંક' તૈયાર કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ ફરીથી તેના પર કબજો ન કરી શકે. સત્તાવાળાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી મિલકત સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આ 'બુલડોઝર અભિયાન' સતત ચાલુ રહેશે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
