<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

માણસ ગણવો કે રાક્ષસ? બે જીવતા સાપ ચાવીને ખાઈ ગયો

દારૂના ભારે નશા અને ગાંડપણમાં જીવલેણ હરકત કરી : ત્રીજા સાપની લાશને હાથમાં લઈને સીધો હોસ્‍પિટલે પહોંચી ગયો. આ વિચિત્ર અને રૂંવાડા ઊભા કરી દેતું દ્રશ્‍ય જોઈને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્‍ટર અને સ્‍વાસ્‍થ્‍યકર્મીઓ પણ થોડીવાર માટે દંગ રહી ગયા

ચતરા  તા.૬: ઝારખંડના ચતરા જિલ્‍લામાંથી એવો ભયંકર કેસ સામે આવ્‍યો છે જેણે ડોક્‍ટરથી લઈને સામાન્‍ય જનતા સુધી તમામને ચોંકાવી દીધા છે. અહીંના કુન્‍દા પ્રખંડમાં એક શખ્‍સે ન માત્ર બે જીવતા સાપને કાચે કાચા ચાવીને ખાઈ ગયો જ્‍યારે ત્રીજા સાપની લાશને હાથમાં લઈને સીધો હોસ્‍પિટલે પહોંચી ગયો. આ વિચિત્ર અને રૂંવાડા ઊભા કરી દેતું દ્રશ્‍ય જોઈને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્‍ટર અને સ્‍વાસ્‍થ્‍યકર્મીઓ પણ થોડીવાર માટે દંગ રહી ગયા હતા. આખા વિસ્‍તારમાં આ ચોંકાવનારી ઘટના આગની જેમ ફેલાઈ ગઈ છે અને દરેક લોકો આ વ્‍યક્‍તિના જીવલેણ ગાંડપણની વાત સાંભળીને દંગ છે. આ અંગે તેની પત્‍નીએ આખી વાત વિસ્‍તારથી કહી સંભળાવી હતી.

માહિતી અનુસાર, કુન્‍દા પ્રખંડ મુખ્‍યાલયના બરવાડીહ ગામના રહેવાસી બૌદ્ધ ભારતીના ૪૫ વર્ષીય પુત્ર બુધન ભારતીએ આ ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્‍યો હતો. બુધને પોતાના ઘરની નજીક નીકળેલા બે જીવતા સાપ પકડી લીધા અને તેને જીવતા જ ચાવીને ખાઈ ગયો. આટલાથી પણ તેનું મન ન ભરાતાં તે ત્રીજા સાપને પણ ચાવીને ખાવાની તૈયારીમાં હતો. જોકે, એ દરમિયાન પરિવારજનોની નજર તેના પર પડી ગઈ. તેઓએ બૂમાબૂમ કરીને તેને રોક્‍યો. ત્‍યારબાદ બુધને ત્રીજા સાપને મારી નાખ્‍યો અને મૃત સાપને સાથે લઈને સીધો પ્રતાપપુર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર પહોંચ્‍યો. જ્‍યારે તેણે ડોક્‍ટરો સામે મૃત સાપ બહાર કાઢ્‍યો ત્‍યારે હોસ્‍પિટલમાં હડકંપ મચી ગયો.

હોસ્‍પિટલ પહોંચતા જ ડોક્‍ટરોએ બુધન ભારતીની તાત્‍કાલિક સારવાર અને તપાસ શરૂ કરી. આ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો તેની પત્‍નીએ કર્યો. તેણે ડોક્‍ટરોને જણાવ્‍યું કે બુધને ખરેખર બે જીવતા સાપોને ચાવીને ખાઈ લીધા હતા અને ત્‍યારબાદ તેણે ચીક્કાર દારૂ પીધો હતો. દારૂના ભારે નશા અને ગાંડપણમાં તેણે આ જીવલેણ હરકત કરી હતી.

પ્રતાપપુર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના ઇન્‍ચાર્જ તબીબી અધિકારી ડો. કુમાર સંજીવે જણાવ્‍યું કે તેની આખી કારકિર્દીમાં આ પ્રકારનો આ પહેલો અને અત્‍યંત વિચિત્ર કેસ છે. ડોક્‍ટરોની ટીમે તાત્‍કાલિક સતર્કતા દાખવીને બુધનની ઝીણવટભરી તપાસ કરી. રાહતની વાત એ રહી કે તપાસ દરમિયાન તેના શરીરમાં સાપના ઝેરની કોઈ અસર જોવા મળી નહોતી. ઝેર ન ફેલાતા હાલ બુધન ભારતીની તબિયત સંપૂર્ણપણે સામાન્‍ય છે. તેમ છતાં, ડોક્‍ટરો સતત તેની દેખરેખ રાખી રહ્યા છે. તબીબી અધિકારીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવી જીવલેણ અને અત્‍યંત જોખમી હરકતોથી દૂર રહે અને નશાની હાલતમાં કોઈપણ પ્રકારનું જોખમી વર્તન ન કરે.

 

(10:30 AM IST)