News of Wednesday, 9th September 2026
કેનેડાનો ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબઃ ૬૦૦થી વધુ અમેરિકી માલ પર ૫૦% સુધી લગાવ્યો ટેરિફ
અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ વોર શરૂઃ બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધુ વધવાની આશંકા છે

ટોરેન્ટો તા.૯: કેનેડા અને અમેરિકા વચ્ચે હવે સીધો મુકાબલો શરૂ થઈ ગયો છે. કેનેડાએ આ વખતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. જી હા, ટેરિફ-ટેરિફની રમત રમતા ટ્રમ્પને કેનેડાએ પણ ટેરિફનો જ જવાબ આપ્યો છે. કેનેડાએ અમેરિકાથી આયાત થતા ૬૦૦થી વધુ પ્રકારના માલ પર ૫૦% સુધીનો જવાબી ટેરિફ લગાવ્યો છે. આથી બંને પાડોશી દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ વધ્યો છે. હકીકતમાં, ઓટાવા અને વોશિગ્ટન વચ્ચેની વાતચીત કોઈ પરિણામ વિના પૂરી થયા બાદ કેનેડાએ આ પગલું ભર્યું છે.
નવા ટેરિફ મંગળવાર ૮ સપ્ટેમ્બરે રાત્રે ૧૨:૦૧ વાગ્યાથી લાગુ થઈ ગયા છે. તેના દાયરામાં ૬૨૯ પ્રકારના માલ સામેલ છે. આ માલની અમેરિકાથી કેનેડામાં દર વર્ષે લગભગ ૨૭.૬ અબજ કેનેડિયન ડોલર (લગભગ ૨૦ અબજ અમેરિકી ડોલર)ની આયાત થાય છે.
આ ટેરિફના દર ૧૫%થી લઈને ૫૦% સુધી છે. તેના દાયરામાં સ્ટીલ, ફર્નિચર, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક પ્રકારના માલ સામેલ છે. કેનેડાએ શરૂઆતમાં ૮૭૪ પ્રકારના માલ પર ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં તેમાંથી માછલી અને દરિયાઈ ખાદ્ય પદાર્થોની ૨૫૪ કેટેગરીઓને દૂર કરવામાં આવી અને ૯ અન્ય પ્રકારના માલને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કાર્નીએ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ વેપારીઓ અને સામાન્ય લોકોને અમેરિકા પરની પોતાની નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી છે. અમેરિકા કેનેડાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ટેરિફ લાગુ થયા બાદ વીડિયો સંદેશમાં કાર્નીએ કહ્યું કે, ‘આપણી પાસે પોતાની દિશા બદલવા અને આગળ વધવા માટે જરૂરી બધું જ છે.'
હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી કંઈ નહીં થાય તેમણે સ્વીકાર્યું કે વેપાર કરવાની રીતોમાં બદલાવની કિમત ચૂકવવી પડશે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે કંઈ ન કરવાનું પરિણામ વધુ ખરાબ હશે. કેનેડાના વડાપ્રધાને કહ્યું કે, આ બદલાવની એક કિમત હશે. કોઈપણ પગલું ભરવાની હંમેશા એક કિમત ચૂકવવી પડે છે, પરંતુ હાથ પર હાથ ધરીને બેસી રહેવાના નુકસાનની સરખામણીમાં આ કિમત કંઈ જ નથી.
બીજી તરફ, કેનેડાના અધિકારીઓએ જણાવ્યું કે જવાબી ટેરિફનો હેતુ વોશિગ્ટન પર આર્થિક અને રાજકીય દબાણ બનાવવાનો છે. આ પગલાંથી અમેરિકાના મિશિગન અને ઓહિયો જેવા રાજ્યોના ઉદ્યોગો પર અસર પડવાની આશા છે.
બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો કેનેડાના આ પગલાં અમેરિકા તરફથી ગયા મહિને કેનેડાના લગભગ ૨૦ અબજ ડોલરના માલ પર લગાવવામાં આવેલા ટેરિફના જવાબમાં લેવામાં આવ્યા છે. આ શુલ્કની અસર વાઇન, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ, કપડાં, ફિશિગ રોડ અને હોકીના સામાન જેવા ઉત્પાદનો પર પડી છે. આ દરમિયાન, વધતા વિવાદથી અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર (USMCA)ના ભવિષ્યને લઈને ચિતા વધી છે, જેણે દાયકાઓથી ઉત્તર અમેરિકાની આ ત્રણ અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપારને પ્રોત્સાહન આપ્યું છે.
કેનેડા અને અમેરિકી સરકારના આંકડા અનુસાર, કેનેડા પોતાની કુલ નિકાસમાંથી લગભગ ૬૮% અમેરિકા મોકલે છે. જોકે, આ વર્ષે USMCA હેઠળ મળેલી છૂટને કારણે તેમાંથી લગભગ ૮૦% નિકાસ પર કોઈ શુલ્ક લાગ્યું નથી.
ટ્રમ્પનું ઓટાવા પર દબાણ યથાવત નવા ટેરિફ લાગુ થતાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર સતત કેનેડાને નિશાન બનાવી રહ્યા છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું કે કેનેડાની વિમાન નિર્માતા કંપની બોમ્બાર્ડિયર જ્યાં સુધી અમેરિકામાં વિમાન બનાવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી તે અમેરિકા ખાતે વિમાન વેચી શકશે નહીં. જોકે, તેમણે આ અંગે કોઈ ઔપચારિક આદેશ જાહેર નથી કર્યો. તેમણે ૧ જાન્યુઆરીથી કેનેડાની કાર, ટ્રક અને ઓટોમોટિવ પાર્ટ્સ પર અમેરિકી ટેરિફ વધારીને ૫૦% કરવાની ધમકી પણ આપી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
