News of Tuesday, 5th May 2026
મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાલતી કાર બની 'અગનગોળો': ધોળે દિવસે ભીષણ આગ લાગતા અફરાતફરી; સદનસીબે ૫ લોકોનો આબાદ બચાવ
ભરચક ટ્રાફિક વચ્ચે કાર લબકારા લેતી આગમાં ખાખ - ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી જાનહાનિ ટાળી; વડાલામાં સલૂનમાં લાગેલી આગમાં એક વૃદ્ધ દાઝ્યા

મુંબઈ: મુંબઈની શાન ગણાતા મરીન ડ્રાઈવ પર ગઈકાલે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તા પર દોડતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે દક્ષિણ મુંબઈના આ વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
૫ મુસાફરોનો ચમત્કારિક બચાવ
મળતી માહિતી મુજબ, કારમાં પાંચ લોકો સવાર હતા. જેવી કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી અને તમામ પાંચેય સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ખાતરી કરી હતી કે કોઈને ઈજા ન થાય.
વડાલાના સલૂનમાં આગ, વૃદ્ધ ઘાયલ
બીજી તરફ, મુંબઈના વડાલા પૂર્વ વિસ્તારમાં સંગમ નગર ખાતે સોમવારે વહેલી સવારે એક હેર કટિંગ સલૂનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ૬૫ વર્ષીય મોહમ્મદ ઉમર નામના વૃદ્ધ આશરે ૯% જેટલા દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સલૂનમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેની પાછળ આવેલી ગાર્મેન્ટ કંપની પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. સવારે ૬ વાગ્યે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મુંબઈમાં વધતી જતી ગરમી વચ્ચે આવી આગની ઘટનાઓએ સુરક્ષા અંગેના સવાલો ઉભા કર્યા છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
