<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

"અદાણી સામેનો કેસ ક્યારેય દાખલ જ ન કરવો જોઈતો હતો" - અમેરિકાના ન્યાય વિભાગે અગાઉની સરકારની કાર્યવાહીને સખત શબ્દોમાં ફગાવી : જજ સમક્ષ રજૂ કર્યું ૧૦ પાનાનું સોગંદનામું

અમેરિકા 'વર્લ્ડ પોલીસ' બનીને વૈશ્વિક સ્તરે દાદાગીરી ન કરી શકે, તેનાથી રાજદ્વારી સંબંધો બગડે છે : બ્રુકલિન અને વોશિંગ્ટનના પ્રોસિક્યુટર્સ કરતાં ભારત પોતાના આંતરિક મામલા વધુ સારી રીતે સંભાળી શકે છે : યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સણસણતો જવાબ

ન્યૂયોર્ક: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત વ્યક્તિઓ સામેનો કથિત લાંચ અને સિક્યોરિટીઝ ફ્રોડનો ફોજદારી કેસ કાયમી ધોરણે પાછો ખેંચવાના પોતાના નિર્ણયનો અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા ફેડરલ કોર્ટમાં અત્યંત આક્રમક રીતે બચાવ કરવામાં આવ્યો છે. ન્યાય વિભાગે ફેડરલ જજ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ આખીય કાનૂની કાર્યવાહી કાયદાકીય રીતે ખામીયુક્ત, રાજદ્વારી રીતે નુકસાનકારક અને ટ્રમ્પ વહીવટીતંત્રની અમલીકરણ પ્રાથમિકતાઓથી તદ્દન વિપરીત હતી. એક તીખા શબ્દોવાળા ૧૦ પાનાના ફાઇલિંગમાં વિભાગે ટાંક્યું છે કે, આ કેસ કાં તો એક વર્ષ પહેલાં જ પડતો મૂકવો જોઈતો હતો અથવા તો ક્યારેય દાખલ જ ન કરવો જોઈતો હતો.

 

જજના સવાલો પર ન્યાય વિભાગનો કાયદાકીય આક્રમક જવાબ:

આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરાફિસે અગાઉ સરકારની કેસ પાછો ખેંચવાની અરજીને "અસ્પષ્ટ અને ટૂંકી" ગણાવીને ન્યાય વિભાગ પાસે વિસ્તૃત ખુલાસો માંગ્યો હતો. તેના જવાબમાં પ્રિન્સિપલ એસોસિએટ ડેપ્યુટી એટર્ની જનરલ આર ટ્રેન્ટ મેકકોટેરે કોર્ટને લેખિતમાં જણાવ્યું કે, કેસ પડતો મૂકવાના નિર્ણયોની ન્યાયિક સમીક્ષા મર્યાદિત હોવી જોઈએ. જો કોર્ટ પ્રોસિક્યુટર્સ પાસે આવા નિર્ણયોની જાહેર સ્પષ્ટતાઓ માંગશે, તો તેનાથી ભવિષ્યમાં કેસ ડિસમિસ કરવાની પ્રક્રિયા પ્રભાવિત થશે, આંતરિક ચર્ચાઓની ગોપનીયતા જોખમાશે અને બંધારણ દ્વારા કારોબારીને મળેલી સત્તાઓ પર તરાપ વાગશે. મેકકોટેરે ઉમેર્યું કે, બચાવ પક્ષના વકીલો સાથે મહિનાઓ સુધી ચાલેલી બેઠકો, સેંકડો પાનાના દસ્તાવેજોની સમીક્ષા અને પોતાના કાનૂની વિશ્લેષણ પછી આ નિર્ણય લેવાયો છે અને આ ચાર્જીસ હટાવવાનો નિર્ણય સહેજ પણ અઘરો નહોતો.

 

અમેરિકા વિશ્વની પોલીસ ન બની શકે: કેસ પાછો ખેંચવાના ૬ મુખ્ય કારણો:

ન્યાય વિભાગે અદાણી સામેના તમામ આરોપો કાયમી ધોરણે રદ્દ કરવા પાછળ ૬ મોટા અને મહત્વના કારણો કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે:

૧. આ કથિત ગેરરીતિઓ સંપૂર્ણપણે ભારતના ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત હતી, તેથી આ એક સંપૂર્ણ વિદેશી કેસ છે.

૨. ભારતીય સત્તાવાળાઓએ આ આરોપોની ઊંડી તપાસ કરી છે અને તેમને કોઈ સત્તાવાર કે દંડનીય ગેરરીતિ મળી નથી.

૩. આ મામલામાં રોકાણકારોને એક પણ રૂપિયાનું આર્થિક નુકસાન થયું નથી, કારણ કે તમામ નોટ્સ કાં તો ચૂકવી દેવાઈ છે અથવા નિયમિત સર્વિસ થઈ રહી છે.

૪. કેસના મુખ્ય પુરાવાઓ અને સાક્ષીઓ તમામ વિદેશમાં (ભારતમાં) સ્થિત છે.

૫. આરોપીઓ ક્યારેય અમેરિકી અદાલત સમક્ષ હાજર થાય તેવી કોઈ વાસ્તવિક શક્યતા નથી.

૬. આ કેસ ચલાવવા માટે પ્રોસિક્યુશન પાસે પુરાવાઓની ભારે અછત અને નબળાઈ છે.

 

ડેપ્યુટી એટર્ની જનરલે આકરા પ્રહારો કરતા લખ્યું છે કે, "અમેરિકા જો આ રીતે 'વર્લ્ડ પોલીસ' બનવાનો ડોળ કરશે, તો તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી વિવાદો ઊભા થશે અને અમેરિકાના સરકારી સંસાધનોનો બગાડ થશે. વોશિંગ્ટન કે બ્રુકલિનના પ્રોસિક્યુટર્સ કરતાં ભારત પોતાના આંતરિક તંત્રને વધુ સારી રીતે સંભાળવાની ક્ષમતા ધરાવે છે."

 

અગાઉની બિડેન સરકારના નિર્ણયો અને નીતિઓની આકરી આલોચના:

વર્ષ ૨૦૨૪ માં બિડેન વહીવટીતંત્ર દરમિયાન અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા અમેરિકી રોકાણકારો પાસેથી ૧૭૫ મિલિયન ડોલર મેળવવા માટે ભારતીય અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપવાના અને રોકાણકારો સાથે જૂઠું બોલવાના આક્ષેપો સાથે ઇન્ડિટમેન્ટ દાખલ કરાયું હતું. વર્તમાન ન્યાય વિભાગે આ સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે, કારણ કે આ વ્યવહારો અમેરિકાના અધિકારક્ષેત્રમાં આવતા નથી. વળી, ઇન્ડિટમેન્ટમાં દર્શાવેલા નિવેદનો માત્ર સામાન્ય કોર્પોરેટ વાતો (પુફરી) હતા, જેના પર કોઈ મોટી સંસ્થાઓ ભરોસો ન કરે. આ કેસ વધુમાં વધુ સિવિલ રાહે ઉકેલવાનો હતો, ક્રિમિનલ રાહે નહીં.

 

તદુપરાંત, ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ (FCPA) હેઠળના આરોપો પણ જૂન ૨૦૨૫ ના ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચના મેમોરેન્ડમની નવી નીતિઓ સાથે સુસંગત નથી. બ્લેન્ચ મેમોરેન્ડમ મુજબ પ્રોસિક્યુટર્સે માત્ર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકી કંપનીઓને નુકસાન કરતા ગંભીર ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. આ કેસમાં આવું કંઈ ન હોવાથી આ કેસ એક વર્ષ પહેલાં જ રદ્દ થઈ જવો જોઈતો હતો.

 

રોકાણના બદલામાં કેસ પાછો ખેંચાયાની અફવાઓ સંપૂર્ણ ખોટી:

ન્યાય વિભાગે મીડિયાના એ અહેવાલો અને અટકળોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે જેમાં એવો દાવો કરાયો હતો કે, અદાણી ગ્રુપ દ્વારા અમેરિકામાં મોટા રોકાણો કરવાની ખાતરી આપવાના બદલામાં આ કેસ પડતો મૂકવામાં આવ્યો છે. આર ટ્રેન્ટ મેકકોટેરે સ્પષ્ટ કર્યું કે, "રોકાણની કોઈ પણ ચર્ચા થઈ હોય કે ન થઈ હોય, હું સિક્યોરિટીઝના આરોપોને હટાવવા માટે કોર્ટમાં આવવાનો જ હતો. સંભવિત રોકાણોની વાતોને આ કાનૂની નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી." વિભાગે જજને વિનંતી કરી છે કે આરોપીઓને લાંબા સમય સુધી વચગાળામાં લટકાવી રાખવાને બદલે આ કેસને તાત્કાલિક અને કાયમી ધોરણે બરખાસ્ત કરવામાં આવે.

(12:02 AM IST)