News of Wednesday, 18th November 2026
કેશ ઈઝ કિંગઃ UPIનો જમાનો છતાં અર્થતંત્રમાં રોકડ પ્રવાહિતા વધી
ડિજિટલ ચૂકવણીમાં ૮૫% વ્યવહાર UPI દ્વારા જ થાય છે :UPIના રેકોર્ડબ્રેક વ્યવહારો છતાં રોકડનું ચલણ વધીને ૪૧.૬૬ લાખ કરોડે પહોંચ્યું

નવી દિલ્હી,તા.૧૮: કેશ ઇઝ કિગ સૂત્ર હાલમાં દેશના અર્થતંત્રમાં જોવા મળી રહ્યું છે. નોટબંધી બાદ યુપીઆઈ - ડિજીટલ પેમેન્ટના વ્યવહારો વધી રહ્યા હોવા છતાં પણ રોકડ નાણાંની માગ સતત વધી રહી છે તેમ એક અહેવાલ જણાવે છે. નોટબંધી વખતે એવી આશા રાખવામાં આવતી હતી કે, દેશના નાગરિકો હવે ડિજીટલ ચૂકવણી તરફ વળી જશે, જેના પગલે રિઝર્વ બેંકને દેશમાં રોકડ ચલણી નાણાં ઓછા પ્રમાણમાં ઠાલવવા પડશે. જોકે આ ચિત્ર છેલ્લા કેટલાક સમયથી બદલાયુ છે.
૨૦૧૬માં દેશમાં ૧૬.૬૩ લાખ કરોડ રૂપિયા દેશના અર્થતંત્રમાં ફરતા હતા. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં જ ચિત્ર બદલાયું છે. ૨૦૨૬માં દેશમાં રૂા.૪૧.૬૬ લાખ કરોડ વ્યવહારમાં ફરી રહ્યા છે. જે આંકડો ૨૦૨૫માં રૂા.૩૭.૨૪ લાખ કરોડનો હતો અને ૨૦૨૪માં આ પ્રમાણ રૂા.૩૫.૩૧ લાખ કરોડનું હતું.
ઉલ્લેખનીય છેકે, દેશમાં નોટબંધીની જાહેરાત ૨૦૧૬માં કરવામાં આવી હતી. તેનો હેતુ પણ દેશમાં વધુને વધુ કાયદેસરના વ્યવહારો થાય. બેનામી વ્યવહારો ઘટી જાય તે હતો. જોકે ૧૦ વર્ષ બાદ પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. રોકડ વ્યવહાર વધી રહ્યા હોવાના કારણે દેશમાં ચલણની નોટોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
૨૦૧૬માં વ્યવહારમાં રૂા.૧૬.૬૩ લાખ કરોડ જ ચલણમાં જોવા મળ્યા હતા. જે ૨૦૧૭માં ઘટીને રૂા.૧૩.૩૫ લાખ કરોડ થયું હતું. આમ નોટબંધીને સફળતા મળી રહી હોવાના નિર્દેશ ડિજીટલ પેમેન્ટના કારણે જોવા મળી રહ્યા હતા.હાલમાં ડિજીટલ પેમેન્ટ પણ વધ્યું છે અને રોકડ પણ વધુને વધુ ચલણમાં છે એ એક સૂચક બાબત છે.
ડિજીટલ ચૂકવણીના અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૧૭માં યુપીઆઈ થી ચૂકવણી માત્ર ૦.૧૮ ટકા હતી, જે ૨૦૨૬માં ૮૫.૭૬ ટકા જોવા મળી રહી છે. આવી જ રીતે એનઈએફટીનું પ્રમાણ ૧૬.૬૧ ટકા હતું. જે ૨૦૨૬માં ઘટીને માત્ર ૩.૨૫ ટકા થયું છે. કાર્ડથી ચૂકવણી ૨૦૧૬માં ૧૧.૧૩ ટકા હતી જે ૨૦૨૬માં ૨.૫૯ ટકા થઈ છે. આઈએમપીએસની ચૂકવણી ૫.૧૯ ટકા હતી જે ૨૦૨૬માં ૧.૭૫ ટકા અને આરટીજીએસની ચૂકવણી ૧.૧ ટકા હતી તે હાલમાં થટીને ૦.૧૨ ટકા જોવા મળી રહી છે.
ઇન્કમટેક્સ એક્ટમાં કાળાનાણાંને અટકાવવા માટે વિવિધ જોગવાઇઓ કરવામાં આવી હોવા છતાં પણ ખરેખર જોવા જઇએ તો એક્ટનો ભંગ કરીને જંગી પ્રમાણમાં રોકડ નાણાંનો વ્યવહાર થતો હોય છે. ખેડૂતોની આર્થિક તાકાત વધી છે ત્યારે તેમના દ્વારા પણ રોકડ ચૂકવણી કરીને જ વ્યવહારો કરવામાં આવી રહ્યા છે
ગત ઓકટોબર મહિનામાં રૂા. ૩૧.૫૩ લાખ કરોડનું યુપીઆઇ પેમેન્ટ
ઓકટોબર માસમાં જ દેશમાં રૂા.૩૧.૫૩ લાખ કરોડનું પેમેન્ટ યુપીઆઇ દ્વારા થયું હતું. જે ૨૫.૪૭ બિલિયન વ્યવહારો દ્વારા થયું હતું. જે સપ્ટેમ્બર માસ કરતાં ૫.૮ટકા વધુ વ્યવહાર હતા. જ્યારે સપ્ટેમ્બર માસમાં જ રૂા.૨૯.૩૭ લાખ કરોડના વ્યવહાર થયા હતા. પ્રથમ વખત જ ઓકટોબર માસમાં દૈનિક રૂા.૧,૦૧,૭૦૭ કરોડની યુપીઆઇ ચૂકવણી થઇ હતી.
રિઅલ એસ્ટેટ, દાણચોરીના વ્યવહારમાં રોકડનું પ્રમાણ વધુ
દેશમાં રિઅલ એસ્ટેટ સેકટરમાં રોકડ નાણાંનું ચલણ હજી પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. બિલ્ડર ડેવલપરો જેવો ગ્રાહક હોય તેવા રોકડાના નાણાં રિઅલ એસ્ટેટ સોદામાં લેતા હોય છે. સામાન્ય રીતે ૪૦ ટકા ઓન પેપર અને ૬૦ ટકા રકમ કોઇ જ હિસાબી ચોપડાની નોંધ વિના જ ગ્રાહક પાસેથી લેવામાં આવતી હોય છે. ઘણા બિલ્ડરો ૧૦૦ ટકા રકમ ચેકથી પણ લેતા હોય છે. જોકે સામાન્ય નાગરિકોનો અનુભવ છેકે, પ્રોપર્ટીની ખરીદીમાં તેમને પોતાના કાયદેસરના નાણાં પણ કાળાં નાણાં તરીકે બિલ્ડરને ચૂકવવા પડતા હોય છે. આવી જ રીતે સોના અને ચાંદી સહિત મૂલ્યવાન ધાતુઓની દાણચોરીમાં પણ રોકડા નાણાંથી જ વ્યવહારો થતાં હોય છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
