News of Saturday, 25th April 2026
પંજાબના રાજકારણમાં 'કેટવોક' પર જંગ: રાઘવ ચઢ્ઢાના ભાજપ પ્રવેશ બાદ રવનીત બિટ્ટુના જૂના કટાક્ષ વાયરલ, 'ગિલી-ડંડા' જેવો ખેલ શરૂ
AAP ના ૭ સાંસદોના પક્ષપલટાથી હડકંપ; કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ ચઢ્ઢાને 'ચિકના' કહીને ઉડાવી મજાક, તો રાઘવે કહ્યું- "હું પક્ષના પાપોનો ભાગીદાર બનવા નહોતો માંગતો"

ચંદીગઢ : પંજાબના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ૧૦ માંથી ૭ રાજ્યસભા સાંસદોએ એકસાથે પક્ષ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લેતા દિલ્હીથી લઈને પંજાબ સુધી ભૂકંપ સર્જાયો છે. આ પક્ષપલટામાં સૌથી મોટું નામ રાઘવ ચઢ્ઢાનું છે. ૨૪ એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા, પરંતુ તેમના પ્રવેશ સાથે જ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુના જૂના કટાક્ષના વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.
રવનીત બિટ્ટુએ થોડા દિવસો પહેલા જ રાઘવ ચઢ્ઢાની જીવનશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચઢ્ઢાના ફેશન શોમાં કરેલા રેમ્પ વોકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "પુરુષ હોવા છતાં તે કેટવોક કરે છે!" એટલું જ નહીં, બિટ્ટુએ ચઢ્ઢાને 'ચિકના' (ક્લીનશેવન) કહીને મજાક ઉડાવતા ઉમેર્યું હતું કે, "આ સિંહોની ધરતી છે, અહીં લાંબી દાઢીવાળા પુરુષો હોય છે. આ માણસને એક થપ્પડ મારશો તો બે મહિના સુધી નિશાન જશે નહીં." હવે જ્યારે બંને નેતાઓ એક જ પક્ષમાં છે, ત્યારે આ નિવેદનોએ ભાજપ માટે પણ વિચિત્ર સ્થિતિ પેદા કરી છે.
પાપમાંથી મુક્તિનો રાઘવનો દાવો:
ભાજપમાં જોડાતી વખતે રાઘવ ચઢ્ઢાએ AAP નેતૃત્વ પર આડકતરો હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ હવે પક્ષના 'પાપો' માં ભાગીદાર બનવા માંગતા નહોતા. ઉલ્લેખનીય છે કે, ચઢ્ઢા પંજાબમાં AAP ના વ્યૂહરચનાકાર રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાની ચર્ચા હતી. તેમની સાથે હરભજન સિંહ, સંદીપ પાઠક અને અશોક મિત્તલ જેવા દિગ્ગજો પણ ભાજપમાં જોડાયા છે, જે ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા AAP માટે મોટો ફટકો માનવામાં આવે છે.
મુખ્યમંત્રી ભગવંત માનનો વળતો પ્રહાર:
પોતાના સાથીઓના પક્ષપલટાથી નારાજ મુખ્યમંત્રી ભગવંત માને આ સાંસદોને 'ગદ્દાર' અને પંજાબના દેશદ્રોહી ગણાવ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, "આમાંથી કોઈ પણ ગામના સરપંચ બનવાને લાયક નથી. મન વાંચવા માટે કોઈ મશીન હોતું નથી, એટલે જ ગદ્દારોને ઓળખવામાં વાર લાગી." માને ભાજપ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ હવે એવા નેતાઓની પાર્ટી બની ગઈ છે જેમને જનતાએ નકારી દીધા છે.
૨૦૨૭ની જંગની તૈયારી:
ભાજપ અત્યાર સુધી પંજાબમાં અકાલી દળના જુનિયર પાર્ટનર તરીકે કામ કરતું હતું, પરંતુ હવે અમિત શાહની જાહેરાત બાદ પાર્ટી ૨૦૨૭ની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી રહી છે. રાઘવ ચઢ્ઢા અને રવનીત બિટ્ટુ જેવા ચહેરાઓ દ્વારા ભાજપ પંજાબમાં હિન્દુ અને શીખ મતોનું સમીકરણ બેસાડવા માંગે છે. જોકે, પક્ષની અંદર જ નેતાઓ વચ્ચેના વાકયુદ્ધ અને ખેંચતાણ ભાજપ માટે આગામી સમયમાં પડકારરૂપ બની શકે છે. પંજાબની જનતા અત્યારે આ રાજકીય નાટકને ખૂબ જ નજીકથી નિહાળી રહી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
