તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
કાવેરી જળ વિવાદઃ તમિલનાડુને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ કર્ણાટકને વધારાનું પાણી છોડવાનો આદેશ આપવાનો ઇનકાર
પાક અને ખેડૂતોની મુશ્કેલીઓનો હવાલો આપીને તમિલનાડુએ બિલીગુંડલુ ખાતે પાણીની અછત પૂરી કરવાની કરી હતી માંગઃ કર્ણાટકે દુષ્કાળ અને ઓછા વરસાદની સ્થિતિ રજૂ કરી

નવી દિલ્હી, તા.૨૦: દક્ષિણ ભારતના બે પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા કાવેરી નદીના પાણીના વિવાદમાં તમિલનાડુ સરકારને સુ-ીમ કોર્ટ તરફથી મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ૧૧,૦૦૦ મિલિયન ઘનફૂટ વધારાનું કાવેરી પાણી છોડવાનો નિર્દેશ આપવાની તમિલનાડુની માંગણીવાળી અરજીઓને ફગાવી દીધી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહની ખંડપીઠે આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ હાલના તબક્કે કર્ણાટકને આ પ્રકારનો કોઈ આદેશ જારી કરશે નહીં.તમિલનાડુ સરકારે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે રાજ્યમાં ખેડૂતો અને ઊભા પાક પર પાણીની તીવ્ર અછતની ગંભીર અસર પડી રહી છે, કારણ કે તેને તેના હિસ્સાનું પૂરતું પાણી મળી રહ્યું નથી. તમિલનાડુએ બિલીગુંડલુ માપન કેન્દ્ર ખાતે પાણીના પ્રવાહમાં રહેલી આશરે ૧૧.૭૧૯ TMCની ખાધ તાત્કાલિક ધોરણે પૂરી કરવા અને કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશોનું પાલન કરાવવા માટે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. બીજી તરફ, કર્ણાટક સરકારે આ માંગનો સખત વિરોધ કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઓછા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે અને CWMA દ્વારા પણ આવો કોઈ આદેશ અપાયો નથી, તેથી વધારાનું પાણી છોડવું અશકય છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં પヘમિ ઘાટની બ્રહ્મગિરિ ટેકરીઓ (તલકાવેરી) માંથી નીકળીને આશરે ૮૦૦ કિલોમીટરની સફર ખેડી બંગાળની ખાડીમાં ભળતી કાવેરી નદી દક્ષિણ ભારતની જીવાદોરી સમાન છે. આ નદીના પાણીની વહેંચણીને લઈને અંગ્રેજોના સમયથી એટલે કે ૧૮૯૨ અને ૧૯૨૪ના કરારોથી વિવાદ ચાલ્યો આવે છે, જેમાં કર્ણાટક અને તમિલનાડુ ઉપરાંત કેરળ અને પુડુચેરી પણ હિસ્સેદાર છે. સુપ્રીમ કોર્ટના આજના નિર્ણય બાદ હવે તમિલનાડુ સરકાર પોતાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ નવેસરથી રજૂઆત કરે તેવી પૂરી શકયતા છે, જેના પર સમગ્ર દક્ષિણ ભારતના રાજકારણની નજર ટકેલી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
