<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

CBSE ધોરણ-૧૦ બોર્ડની બીજી પરીક્ષાનું પરિણામ જાહેર: ૬.૬૩ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ચમક્યું, ડિજીલોકર અને સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લાઈવ

નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ વર્ષમાં બે વાર પરીક્ષા આપવાની સુવર્ણ તક: સ્કોર સુધારવા મેદાનમાં ઉતરેલા ૫૯.૯૫ ટકા વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા, બન્નેમાંથી શ્રેષ્ઠ ગુણ ગણાશે આખરી

નવી દિલ્હી : દેશભરના લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ શનિવારે ધોરણ-૧૦ ની 'બીજી બોર્ડ પરીક્ષા ૨૦૨૬' ના પરિણામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જે વિદ્યાર્થીઓએ પોતાના ગુણ સુધારવા અથવા મુખ્ય પરીક્ષાના પ્રદર્શનને બહેતર બનાવવા માટે આ પરીક્ષા આપી હતી, તેઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ અથવા 'ડિજીલોકર' (DigiLocker) એપના માધ્યમથી પોતાનું ઓનલાઈન રિઝલ્ટ ઝડપથી જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવી શિક્ષણ નીતિ (NEP 2020) નો ઐતિહાસિક પ્રયોગ:
ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અભિગમ હેઠળ CBSE એ વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું માનસિક દબાણ ઘટાડવા માટે એક જ શૈક્ષણિક વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપવાની ક્રાંતિકારી તક આપી છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૬ ની મુખ્ય બોર્ડ પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમિયાન યોજાઈ હતી. ત્યારબાદ, જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ નહોતા અથવા પ્રદર્શન સુધારવા માંગતા હતા તેમના માટે બીજી બોર્ડ પરીક્ષા ૧૫ મે થી ૨૧ મે ૨૦૨૬ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી, જેનું પરિણામ આજે જાહેર થયું છે.

૫૯.૯૫ ટકા વિદ્યાર્થીઓએ સ્કોર સુધારી બાજી મારી:
બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ બીજી બોર્ડ પરીક્ષા માટે દેશભરમાંથી કુલ ૬,૬૪,૦૨૭ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૬,૬૩,૭૭૭ વિદ્યાર્થીઓએ સખત મહેનત સાથે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પ્રદર્શન સુધારવાના આશયથી બેઠેલા ૫,૧૩,૯૫૫ ઉમેદવારોમાંથી અધધ.. ૩,૦૮,૦૯૫ વિદ્યાર્થીઓએ પોતાના જૂના ગુણ કરતાં વધુ સારો સ્કોર મેળવીને બતાવી દીધું છે કે મહેનત ક્યારેય એળે જતી નથી. સફળતાની આ ટકાવારી કૂલ ૫૯.૯૫ ટકા જેટલી ઊંચી નોંધાઈ છે.

વિદ્યાર્થીઓ માટે બમ્પર ફાયદો:

CBSE ના નિયમો અનુસાર, નિયમિત વિદ્યાર્થીઓ માટે એક મોટો ફાયદો એ રહેશે કે તેમને મુખ્ય પરીક્ષા અને આ બીજી પરીક્ષાએ બન્નેમાંથી જે પરીક્ષામાં સૌથી વધારે ગુણ (હાયર સ્કોર) મળ્યા હશે, તેને જ તેમના આખરી અને અંતિમ રિઝલ્ટ કાર્ડ માટે માન્ય રાખવામાં આવશે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉચ્ચ અભ્યાસ અને એડમિશન પ્રક્રિયામાં મોટો ફાયદો મળશે.

 

(9:46 PM IST)