<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ઓલાની 'ઝડપી રાઈડ'ના નામે ગ્રાહકોને છેતરવાની પ્રથા પર CCPA નો મોટો ચાબુક, ₹૧૦ લાખનો ફટકાર્યો દંડ

ગ્રાહકો પાસેથી અગાઉથી વધારાની રકમ ઉઘરાવવાની એડવાન્સ ટિપિંગ સુવિધા બંધ કરવા કડક આદેશ, ડાર્ક પેટર્ન અને ભ્રામક જાહેરાત ગણાવી

નવી દિલ્હી : ઓનલાઈન કેબ બુકિંગ પ્લેટફોર્મ 'ઓલા' (Ola) ની માલિકી ધરાવતી 'ANI ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ' સામે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ લાલ આંખ કરીને ₹૧૦ લાખનો ભારે દંડ ફટકાર્યો છે. ગ્રાહકોને રાઈડ મળવાની શક્યતાઓ વધારવાના બહાને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં જ એપ પર પ્રોમ્પ્ટ દર્શાવીને ₹૧૦ થી લઈને ₹૪૯૯ સુધીની વધારાની રકમ (એડવાન્સ ટિપ) ચૂકવવા માટે ગેરમાર્ગે દોરવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રા દ્વારા જારી કરાયેલા ૧૦ નવેમ્બરના આદેશમાં આ પ્રથાને ગ્રાહક સુરક્ષા કાયદા ૨૦૧૯ હેઠળ અન્યાયી કરાર અને ભ્રામક જાહેરાત ગણાવીને તુરંત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી મે ૨૦૨૫ માં મળેલી એક ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી, જેમાં રાઈડ શોધતી વખતે "ટિપ ઉમેરવાથી રાઈડ ઝડપથી મળવાની શક્યતા વધી શકે છે" તેવા સંદેશા દર્શાવી ગ્રાહકો પર માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જોકે, ઓલાએ આ રકમને સ્વૈચ્છિક અને ડ્રાઈવરોને મદદરૂપ ગણાવીને પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ CCPA ની તપાસમાં કંપનીના જ આંકડાઓથી પોલ ખુલી ગઈ હતી. દિલ્હીમાં વધારાની રકમ ચૂકવાઈ હોય તેવી માત્ર ૩૨ ટકા રાઈડ જ સ્વીકારાઈ હતી, જ્યારે રકમ ન ચૂકવાઈ હોય તેવી ૬૮ ટકા રાઈડ સ્વીકારાઈ હતી. બેંગલુરુમાં પણ સ્વીકૃતિ દર અનુક્રમે ૩૯ ટકા અને ૬૮ ટકા રહ્યો હતો, જે દર્શાવે છે કે એડ-ઓન રકમથી રાઈડ ઝડપથી મળવાના દવામાં કોઈ તથ્ય નહોતું.
ઓથોરિટીએ સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે સેવા મળ્યા પહેલાં ટિપ માંગવી અને એપ ઇન્ટરફેસ દ્વારા ગ્રાહકો પર દબાણ બનાવવું એ 'પ્રિવેન્શન ઓફ ડાર્ક પેટર્ન્સ, ૨૦૨૩' હેઠળ પ્રતિબંધિત 'કન્ફર્મ શેમિંગ' ડાર્ક પેટર્ન છે. ઓલાનો આ ક્યુરેટેડ મેસેજિંગ મોડેલ ગ્રાહકોને છેતરે છે અને જેઓ વધારાના પૈસા નથી આપતા તેમને અસમાન સ્થિતિમાં મૂકે છે. ઓથોરિટીએ કંપનીની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે આ સુવિધા માત્ર થોડા ગ્રાહકોને જ અસર કરે છે, કારણ કે એક જ શહેરમાં લાખથી વધુ રાઈડ વિનંતીઓ પર ઉપયોગમાં લેવાતી સુવિધાને ક્યારેય નજીવી ગણી શકાય નહીં.
આ ચુકાદા બાદ CCPA એ ઓલાને ગ્રાહકોને માનસિક રીતે દબાણ કરતા તમામ પ્રોમ્પ્ટ, સંદેશાઓ અને ઇન્ટરફેસ ડિઝાઇન તાત્કાલિક અસરથી બંધ કરવા અને ૧૫ દિવસની અંદર આદેશ પાલનનો અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અગાઉ પણ વિવિધ રાઈડ-હેલિંગ એપ્સ સામે ગ્રાહકોની ફરિયાદો સામે આવતી રહી છે, ત્યારે હવે આ નિર્ણય બાદ અન્ય કેબ એગ્રીગેટર કંપનીઓ પર પણ ગ્રાહક સુરક્ષા નિયમોનું કડક પાલન કરવાનું દબાણ વધશે અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પરની ડાર્ક પેટર્ન્સ સામે વધુ સઘન ઝુંબેશ ચલાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(9:07 PM IST)