News of Sunday, 3rd May 2026
વીજ સંકટની આશંકાઓ ફગાવતું કેન્દ્ર : દેશના થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ૧૯ દિવસ ચાલે તેટલો કોલસાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ
ભીષણ ગરમી વચ્ચે ૨૫૬ GWની પીક ડિમાન્ડને પહોંચી વળવા સરકાર સજ્જ : ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હીટવેવની આગાહી વચ્ચે રેલવે અને પાવર મંત્રાલયનું સંકલન

નવી દિલ્હી:દેશમાં વધતા જતા તાપમાન અને વીજળીની રેકોર્ડબ્રેક માંગ વચ્ચે કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે બ્લેકઆઉટની આશંકાઓને ફગાવી દીધી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે થર્મલ પાવર જનરેશન માટે કોલસાની કોઈ અછત નથી. હાલમાં પાવર પ્લાન્ટ્સમાં આશરે ૫૩ મિલિયન ટન (MT) કોલસો ઉપલબ્ધ છે, જે આગામી ૧૮ થી ૧૯ દિવસની વીજ માંગને પહોંચી વળવા માટે પૂરતો છે.
પીક ડિમાન્ડને પહોંચી વળવામાં સફળતા
ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨ મે ના રોજ બપોરે ૩:૩૧ કલાકે મહત્તમ ૨૨૯ GW વીજ માંગ નોંધાઈ હતી, જેને ૧૩૫ GW થર્મલ, ૫૯ GW સોલર, ૧૬ GW વિન્ડ અને બાકીની હાઈડ્રો-ન્યુક્લિયર સ્ત્રોતો દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૫૬ GW ની માંગને પણ કોઈ પણ કાપ વગર સંતોષવામાં આવી છે. કોલસા મંત્રાલયે ઉમેર્યું છે કે કોલ ઈન્ડિયાની ખાણોમાં ૧૨૩ MT અને કેપ્ટિવ માઈન્સમાં ૧૬ MT જથ્થો અનામત છે, જેને રેલવેના સહયોગથી પ્લાન્ટ્સ સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.
મે મહિનામાં હીટવેવની આગાહી
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે મે ૨૦૨૬ માટેની ગરમીની આગાહી અંગે લોકોને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ દ્વીપકલ્પ, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતા ૨ થી ૪ દિવસ વધુ હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. મે મહિનાના બીજા (૮-૧૪ મે) અને ચોથા (૨૨-૨૮ મે) સપ્તાહમાં તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે.
કૃષિ ક્ષેત્ર પર અસર અને સાવચેતી
મંત્રીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં રવિ પાકની લણણી માટે સાનુકૂળ છે. જોકે, દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતના અમુક ભાગોમાં ગરમીને કારણે ઉનાળુ પાક જેવા કે ડાંગર (બોરો), મકાઈ અને કઠોળને અસર થઈ શકે છે. ખેડૂતોને વહેલી સવારે અથવા સાંજના સમયે ખેતીકામ કરવા, હળવું અને વારંવાર પિયત આપવા તેમજ પશુધનની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સલાહ આપવામાં આવી છે. સરકાર હાલમાં પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે જેથી ગરમીના વધતા પ્રકોપ વચ્ચે વીજ પુરવઠો ખોરવાય નહીં.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
