તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Thursday, 24th September 2026
કેન્દ્રીય કર્મચારીઓને ૩૦ સપ્ટેમ્બર પહેલાં મળશે એડવાન્સ પગાર: બેંક હડતાળના કારણે સરકારે લીધો મોટો નિર્ણય, શું સાથે વધેલું DA પણ મળશે?
આગામી ત્રણ દિવસીય બેંક હડતાળના લીધે નાણા મંત્રાલયે ૨૫ સપ્ટેમ્બરે જ ખાતામાં પગાર જમા કરવાનો આપ્યો આદેશ; ડીએમાં ૩% વધારાની ટૂંક સમયમાં શક્યતા

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પગાર માટે કર્મચારીઓએ ૩૦ સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે નહીં. આગામી બેંક હડતાળ અને વીકેન્ડના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતા હોવાથી, સરકારે શુક્રવારે એટલે કે ૨૫ સપ્ટેમ્બરે જ તમામ કેન્દ્રીય કર્મચારીઓના બેંક ખાતામાં એડવાન્સ પગાર જમા કરવાનો મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે આ અંગે ઓફિસ મેમોરેન્ડમ જારી કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
વાસ્તવમાં, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ અઠવાડિયામાં ૫ દિવસના કામકાજની માંગણી સાથે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળના કારણે સરકારી કર્મચારીઓના પગાર ચૂકવણીમાં અડચણ ન આવે તે માટે સરકારે આ એડવાન્સ પગારનો રસ્તો અપનાવ્યો છે. વધુમાં, સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે રવિવાર, ૨૭ સપ્ટેમ્બરે પણ તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને સામાન્ય રીતે કાર્યરત રાખવા રિઝર્વ બેંકે વિશેષ મંજૂરી આપી છે.
બીજી તરફ, કર્મચારીઓમાં એવો સવાલ પણ ઘૂમરાઈ રહ્યો છે કે શું આ એડવાન્સ પગાર સાથે જુલાઈ-ડિસેમ્બરના છ મહિનાનું વધેલું મોંઘવારી ભથ્થું (DA) પણ મળશે? હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ૬૦ ટકાના દરે DA મળી રહ્યું છે અને મોંઘવારીના આંકડા મુજબ તેમાં ૩ ટકાનો વધારો થવાની શક્યતા છે, જેનાથી DA વધીને ૬૩ ટકા થઈ શકે છે. જોકે, આ વધારા અંગેની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં એટલે કે દશેરાની આસપાસ થવાની ધારણા છે. તેથી ૨૫ સપ્ટેમ્બરે મળનારા એડવાન્સ પગારમાં માત્ર નિયમિત પગાર જ જમા થશે, જ્યારે વધેલા ડીએ માટે કર્મચારીઓએ થોડી વધુ રાહ જોવી પડશે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
