<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

CJP ના અલ્ટીમેટમ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં : નીટ વિરોધ પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહીની સમીક્ષા શરૂ : ટૂંક સમયમાં મોટા નિર્ણયની શક્યતા

બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં થયેલી કારવાઈ અંગે રાજ્યો પાસેથી મંગાયો રિપોર્ટ : શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે દંડાત્મક પગલાં ન લેવા કેન્દ્રના સંકેત

નવી દિલ્હી:નીટ (NEET) પરીક્ષાના વિરોધ પ્રદર્શનકારીઓ પર થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી આંદોલનના અલ્ટીમેટમ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને વિવિધ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા શરૂ કરી દીધી છે. દિલ્હીના સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ, શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે કોઈ પણ પ્રકારના દંડાત્મક પગલાં ન લેવાવા જોઈએ તેવો સ્પષ્ટ સંકેત આપીને સરકાર ટૂંક સમયમાં આ અંગે આગળના મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી શકે છે.

 

 વિવિધ રાજ્યો પાસેથી પોલીસ કારવાઈનો રિપોર્ટ તલબ કરાયો:

સરકારી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જે રાજ્યોમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી અને અટકાયતના અહેવાલો સામે આવ્યા છે, તે તમામ રાજ્યોની સરકારો પાસેથી કેન્દ્ર સરકારે ત્વરિત રિપોર્ટ માંગ્યો છે. નીટ પ્રદર્શનકારીઓ સામેના આકરા પગલાં અટકાવવા અને વિદ્યાર્થીઓને રાહત આપવા માટે કેન્દ્રીય સ્તરે ગંભીર વિચારણા ચાલી રહી છે. સીજીપી દ્વારા ફરીથી આંદોલન શરૂ કરવાની અપાયેલી ચેતવણી બાદ કેન્દ્ર સરકારે આ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત તેજ કરી છે.

 

 કરારના ભંગ અંગે સીજીપીના ગંભીર આક્ષેપો:

આ સમગ્ર વિવાદ તે સમયે વધુ ઘેરો બન્યો જ્યારે સીજીપી ના પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહને ટેગ કરીને એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, નીટ આંદોલન શાંત પાડવા માટે સરકાર સાથે જે સમજૂતી થઈ હતી તેનું સત્તાવાળાઓ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ પોલીસ દરોડા પાડીને તેમને પરેશાન કરી રહી છે. આ ઉપરાંત, દિલ્હીમાં પ્રદર્શનકારીઓને મદદ કરતા સ્વયંસેવકોની પણ અટકાયત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

 કેસો પાછા ખેંચવા અને મંગળવાર સુધી લેખિત ખાતરી આપવા માગણી:

સીજીપી એ સરકાર સમક્ષ આકરી માંગણીઓ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR) તુરંત અસરથી રદ કરવામાં આવે અને કસ્ટડીમાં લેવાયેલા તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવે. આ સાથે જ સમજૂતી મુજબ દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ કે ભાજપ શાસિત રાજ્યોની પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સામે નવી કોઈ કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ. સીજીપી એ સરકાર પાસે કાનૂની આશ્વાસન અંગેની લેખિત નકલ મંગળવાર સુધીમાં સોંપવાની માગ કરી છે. જો સરકાર આ માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે તો દેશભરમાં ફરીથી વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

(8:39 PM IST)