News of Saturday, 20th June 2026
દેશભરમાં મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર સરકારનો સપાટો: ૧૬ ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી લાદવામાં આવ્યો સંપૂર્ણ પ્રતિબંધ
જાહેર આરોગ્યની સુરક્ષા અને દર્દીઓના હિતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય; પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ અને સ્કીનકેર સહિતની અનેક મિશ્રિત દવાઓ વૈજ્ઞાનિક રીતે બિનજરૂરી અને જોખમી જણાતા લેવાયા કડક પગલાં

નવી દિલ્હી: દેશના કરોડો નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેશભરમાં મિશ્રિત ક્ષમતા ધરાવતી ૧૬ ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ તેમજ વિતરણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. સરકારના સત્તાવાર આદેશ અનુસાર, આ દવાઓનો ઉપયોગ તબીબી દ્રષ્ટિએ બિનજરૂરી હોવાની સાથે-સાથે દર્દીઓના સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમો ઊભા કરી શકે તેમ હોવાથી આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ (Section 26A) હેઠળ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ દેશમાં દવાઓના તાર્કિક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને બજારમાં માત્ર વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને અસરકારક દવાઓ જ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ એટલે એવી દવાઓ કે જેમાં બે અથવા બેથી વધુ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) એક નિશ્ચિત પ્રમાણમાં મિશ્ર કરવામાં આવ્યા હોય છે.
સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન કરીને દેશની સર્વોચ્ચ તકનીકી સંસ્થા ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) દ્વારા એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ બજારમાં ઉપલબ્ધ વિવિધ દવાઓના મિશ્રણોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. લાંબી વૈજ્ઞાનિક તપાસ બાદ સમિતિએ તારણ કાઢ્યું હતું કે, આ ૧૬ દવાઓના કોમ્બિનેશનમાં કોઈ તબીબી યોગ્યતા કે વૈજ્ઞાનિક આધાર નથી અને તેનાથી થતા ફાયદા કરતાં દર્દીના શરીર પર થનારા જોખમોનું પ્રમાણ ઘણું વધારે છે. આ અહેવાલના આધારે સરકારે માનવ વપરાશ માટેની આ ૧૬ એફડીસી દવાઓના સપ્લાય અને વિતરણને તાત્કાલિક બંધ કરવાનો હુકમ કર્યો છે.
આ પ્રતિબંધિત દવાઓની યાદીમાં ત્વચારોગ (ડર્મેટોલોજિકલ), દર્દનાશક (પેઇનકિલર્સ), સ્નાયુઓના દુખાવાની (એન્ટિસ્પાસ્મોડિક) તેમજ વ્યાપક પ્રમાણમાં વપરાતી એન્ટિબાયોટિક આધારિત દવાઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે એસિટિલ સેલિસિલિક એસિડ સાથે ઇથોહેપ્ટાઝાઇન; ડાયસાયક્લોમાઇન, પેરાસીટામોલ અને ક્લિડિનિયમ બ્રોમાઇડ; ડાયસાયક્લોમાઇન, પેરાસીટામોલ, ક્લિડિનિયમ બ્રોમાઇડ અને ક્લોરડાયાઝેપોક્સાઇડ; ગ્લિક્લાઝાઇડ સાથે ક્રોમિયમ પિકોલિનેટ; તેમજ પેરાસીટામોલ સાથે લિગ્નોકેઇનના મિશ્રણ વાળી દવાઓ પર પ્રતિબંધ મૂકાયો છે.
આ ઉપરાંત, બજારમાં વ્યાપકપણે વેચાતી કેટલીક એન્ટિબાયોટિક દવાઓ પણ પ્રતિબંધના દાયરામાં આવી છે, જેમાં એમોક્સિસિલિન સાથે સેરાશિયોપેપ્ટીડેઝ; એમોક્સિસિલિન સાથે સેરાશિયોપેપ્ટીડેઝ અને લેક્ટોબેસિલસ સ્પોરોજીન્સ; એમોક્સિસિલિન સાથે ક્લોક્સાસિલિન, લેક્ટિક એસિડ બેસિલસ અને સેરાશિયોપેપ્ટીડેઝ; સેફાડ્રોક્સિલ સાથે પ્રોબેનેસિડ; તેમજ સેફુરોક્સાઇમ સાથે સેરાશિયોપેપ્ટીડેઝનું કોમ્બિનેશન સામેલ છે. જ્યારે સ્કીનકેર અને ડર્મેટોલોજીમાં વપરાતી એલોવેરા અથવા એલો અર્કની સાથે વિટામિન ઈ, જોજોબા ઓઈલ, ઓરેન્જ ઓઈલ, વ્હીટ જર્મ ઓઈલ, ટી ટ્રી ઓઈલ, એલાન્ટોઈન અને ડી-પેન્થેનોલ જેવા ઘટકો ધરાવતી ફોર્મ્યુલેશન પણ હવે ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અગાઉના વર્ષોમાં પણ વિગતવાર વૈજ્ઞાનિક સમીક્ષાઓ બાદ આવી અનેક બિનતાર્કિક દવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને આ નવીનતમ નિર્ણય પણ દર્દીઓની સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસોનો જ એક ભાગ છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોના ડ્રગ કંટ્રોલર્સ, નિયામક સત્તાધિકારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા અને ઉત્પાદકો, આયાતકારો કે વિતરકો દ્વારા આ દવાઓનું કોઈપણ સ્તરે વેચાણ ન થાય તે જોવા કડક આદેશો આપ્યા છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
