<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

દેશના મેડિકલ સેક્ટરમાં કેન્દ્ર સરકારનો ક્રાંતિકારી પ્રસ્તાવ: ૭૮ વર્ષ જૂનો 'ફાર્મસી એક્ટ' થશે નાબૂદ, શિક્ષણ અને નિયમનમાં ધરમૂળથી ફેરફાર માટે સ્થપાશે 'નેશનલ ફાર્મસી કમિશન'!

આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યો બિલનો સુધારેલો ડ્રાફ્ટ; દેશભરમાં ફાર્માસિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા અને પીજીમાં એડમિશન માટે 'નેશનલ એક્ઝિટ ટેસ્ટ' (NEXT) આપવી પડશે ફરજિયાત, ડૉક્ટરોની જેમ હવે ફાર્માસિસ્ટનું પણ બનશે રાષ્ટ્રીય રજિસ્ટર

નવી દિલ્હી, તા.૦૨: ભારતમાં હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન સિસ્ટમને વધુ પારદર્શક, આધુનિક અને ગુણવત્તાસભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. દેશમાં ફાર્મસી શિક્ષણ (Pharmacy Education) ને પ્રોત્સાહન આપવા અને તેના પર કડક નિયમન રાખવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૪૮ના જૂના ફાર્મસી એક્ટને નાબૂદ કરીને તેના સ્થાને 'નેશનલ ફાર્મસી કમિશન' (NPC) ની સ્થાપના કરવાનો એક સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 'રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ, ૨૦૨૬' નો સુધારેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર દેશના તમામ હિસ્સેદારો અને સામાન્ય જનતા પાસેથી સત્તાવાર ટિપ્પણીઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીમાં હશે હેડક્વાર્ટર: કમિશન હેઠળ કામ કરશે ચાર પાવરફુલ બોર્ડ
આ નવા કાયદાના અમલીકરણ સાથે જ દેશની ફાર્મસી શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તનો આવશે. પ્રસ્તાવિત નેશનલ ફાર્મસી કમિશનનું મુખ્ય કાર્યાલય દેશની રાજધાની નવી દિલ્હીમાં સ્થાપવામાં આવશે. આ હાઈપાવર કમિશનની સંરચનામાં એક ચેરમેન (અધ્યક્ષ), ૧૫ કાયમી (પદાધિકારી) સભ્યો અને ૧૩ પાર્ટ-ટાઇમ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે કમિશન હેઠળ ચાર અલગ-અલગ સ્વાયત્ત બોર્ડની રચના કરવામાં આવશે, જે નીચે મુજબ છે:
૧. ફાર્મસી એસેસમેન્ટ અને રેટિંગ બોર્ડ
૨. ફાર્મસી એથિક્સ અને નોંધણી બોર્ડ
૩. આધુનિક દવા પ્રણાલી માટે ફાર્મસી શિક્ષણ બોર્ડ
૪. ભારતીય દવા પ્રણાલી અને હોમિયોપેથી માટે ફાર્મસી શિક્ષણ બોર્ડ
આયુર્વેદ, હોમિયોપેથી અને મોર્ડન સાયન્સનો સમન્વય, ફી પર પણ અંકુશ
આ ડ્રાફ્ટ બિલનો મુખ્ય હેતુ દેશભરમાં સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફાર્મસી શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. કાયદા હેઠળ આધુનિક એલોપેથી દવાઓ ઉપરાંત ભારતીય ચિકિત્સા પદ્ધતિ (આયુર્વેદ વગેરે) અને હોમિયોપેથીના ફાર્મસી વ્યાવસાયિકોને પણ સંશોધન અને નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરાશે. કમિશનને ફાર્મસી કોલેજોની આંતરમાળખાકીય સુવિધાઓ, પરીક્ષાઓ અને ફેકલ્ટીના માપદંડો નક્કી કરવાની સાથે-સાથે વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી મહત્તમ ટ્યુશન ફી નક્કી કરવાની સત્તા પણ આપવામાં આવશે, જેથી ખાનગી કોલેજોની લૂંટ પર લગામ લગાવી શકાય.
લાયસન્સ અને પીજી માટે 'રાષ્ટ્રીય એક્ઝિટ ટેસ્ટ' બનશે બ્રહ્માસ્ત્ર
નવા કાયદાની સૌથી મોટી અને મહત્વની જોગવાઈ 'રાષ્ટ્રીય એક્ઝિટ ટેસ્ટ' (National Exit Test) છે. હવેથી કોઈપણ ફાર્મસી કોલેજમાંથી ડિગ્રી મેળવ્યા બાદ સીધી પ્રેક્ટિસ કે દવાની દુકાનનું લાયસન્સ નહીં મળે. ફાર્માસિસ્ટ તરીકે સત્તાવાર લાયસન્સ મેળવવા અને રજિસ્ટ્રેશન કરાવવા માટે આ એક્ઝિટ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, ફાર્મસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) માં એડમિશન મેળવવા માટે પણ આ ટેસ્ટ જ મુખ્ય આધાર બનશે. ડ્રાફ્ટ મુજબ, આ નવો કાયદો લાગુ થયાના ૫ વર્ષની અંદર આ એક્ઝિટ ટેસ્ટ સમગ્ર દેશમાં સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવશે. વિદેશથી ફાર્મસીનો અભ્યાસ કરીને આવતા ભારતીયોએ પણ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે આ પરીક્ષા પાસ કરવી પડશે.
અધ્યક્ષ અને સભ્યો માટે કડક આચારસંહિતા
ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર માટે બિલમાં કમિશનના અધ્યક્ષ અને સભ્યો માટે અત્યંત કડક નિયમો બનાવાયા છે. અધ્યક્ષ તરીકે ઓછામાં ઓછો ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની જ નિમણૂક થશે. અધ્યક્ષ કે સભ્ય વધુમાં વધુ ૪ વર્ષ સુધી જ પદ પર રહી શકશે અને ૭૦ વર્ષની ઉંમર બાદ તેઓ પદ સંભાળી શકશે નહીં. કમિશનમાં જોડાતી વખતે તેમણે પોતાની તમામ સંપત્તિ જાહેર કરવી પડશે. એટલું જ નહીં, પદ છોડ્યાના બે વર્ષ સુધી તેઓ કોઈ પણ ખાનગી કે સરકારી ફાર્મસી સંસ્થામાં કોઈ પણ પ્રકારની નોકરી કે સલાહકારનું પદ સ્વીકારી શકશે નહીં. જો કોઈ સભ્ય નૈતિક ક્ષતિ અથવા નાણાકીય ગેરરીતિમાં દોષિત જણાશે તો કેન્દ્ર સરકાર તેમને તાત્કાલિક પદ પરથી બરતરફ કરી શકશે. સરકારના આ પગલાથી આગામી દિવસોમાં ફાર્મસી સેક્ટરમાં અભૂતપૂર્વ સુધારાઓ જોવા મળશે.

(4:52 PM IST)