<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ગૂગલ જેમિનીમાં ફેરફાર: ૯ ઓક્ટોબર શુક્રવારથી "બજેટ પ્લાન" વપરાશકર્તાઓ માટે ગૂગલ જેમિનીના "મોડેલ એક્સેસ"માં મોટો ઘટાડો

જેમીની માટેના મફત અને સસ્તા પ્લાનમાં જેમિની પ્રોનો એક્સેસ બંધ, પ્રો અને અલ્ટ્રા પ્લાનને જ મળશે સંપૂર્ણ સુવિધા

ગૂગલ પોતાના કૃત્રિમ બુદ્ધિ આધારિત જેમિની એપમાં નવ ઓક્ટોબરથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા નિયમો મુજબ મફત વપરાશકર્તાઓને માત્ર ફ્લેશ-લાઇટ મોડેલનો ઉપયોગ કરવાની મર્યાદા રહેશે. અત્યાર સુધી મફત વપરાશકર્તાઓને ફ્લેશ-લાઇટ ઉપરાંત ફ્લેશ અને પ્રો જેવા મોડેલ્સનો મર્યાદિત ઉપયોગ કરવાની સુવિધા મળતી હતી.
નવા ફેરફાર પછી ગૂગલ એઆઈ પ્લસ જેવા સસ્તા પેઇડ પ્લાનના વપરાશકર્તાઓને પણ પ્રો મોડેલનો એક્સેસ નહીં મળે. પ્લસ પ્લાનમાં ફ્લેશ-લાઇટ અને ફ્લેશ મોડેલ ઉપલબ્ધ રહેશે, પરંતુ વધુ શક્તિશાળી પ્રો મોડેલ માટે વપરાશકર્તાઓએ ઊંચા પ્લાનમાં જવું પડશે. પ્લસ ગ્રાહકોને ફેરફાર ક્યારે લાગુ પડશે તે અંગે ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.
ગૂગલ એઆઈ પ્રો અને અલ્ટ્રા પ્લાન ધરાવતા વપરાશકર્તાઓ માટે હાલની મુખ્ય સુવિધાઓ ચાલુ રહેશે. પ્રો અને અલ્ટ્રા પ્લાનમાં ફ્લેશ-લાઇટ, ફ્લેશ અને પ્રો મોડેલનો એક્સેસ મળશે. વધુ ઊંડા વિચાર અથવા જટિલ પ્રશ્નો માટે ઉપલબ્ધ વિશેષ વિકલ્પો પણ ઊંચા પ્લાન સાથે જ જોડાયેલા રહેશે.
ટેક ક્ષેત્રના નિરીક્ષકોના મત મુજબ ગૂગલનો આ નિર્ણય મફત અને સસ્તા વપરાશકર્તાઓને મર્યાદિત સેવા આપીને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન તરફ વાળવાનો પ્રયાસ ગણાય છે. વપરાશકર્તાઓ માટે હવે મુખ્ય પ્રશ્ન એ રહેશે કે રોજિંદા કામ માટે ફ્લેશ-લાઇટ પૂરતું છે કે વધુ ક્ષમતા માટે ઊંચો પ્લાન લેવાની જરૂર પડશે.

(11:16 PM IST)