<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

૨૦૨૭માં ભારતીય પ્રવાસીઓનો બદલાતો અંદાજ: Wi-Fi નહીં પરંતુ 'વેલનેસ' (સુખાકારી) અને ડિજિટલ ડિટોક્સને આપી રહ્યા છે સર્વોચ્ચ પ્રાથમિકતા!

સ્કાયસ્કેનરના 'ટ્રાવેલ ટ્રેન્ડ્સ ૨૦૨૭' રિપોર્ટમાં મોટો ખુલાસો: ૫૮ ટકા ભારતીયો આગામી વર્ષે વિદેશ પ્રવાસ કરવાનું કરી રહ્યા છે ભવ્ય આયોજન

નવી દિલ્હી : આધુનિક યુગમાં સતત ભાગદોડ ભરેલી જીવનશૈલી અને મોબાઈલ-ઇન્ટરનેટના ઘેરામાંથી બહાર નીકળીને પ્રકૃતિના સાનિધ્યમાં શાંતિ શોધવાનો નવો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. 'સ્કાયસ્કેનર' (Skyscanner) દ્વારા જાહેર કરવામાં આવેલા 'ટ્રાવેલ ટ્રેન્ડ્સ ૨૦૨૭' રિપોર્ટ અનુસાર, ૨૦૨૭માં ભારતીય પ્રવાસીઓ રજાઓ ગાળવા માટે Wi-Fi કનેક્ટિવિટી કે ડિજિટલ સગવડવાળા સ્થળોને બદલે માનસિક શાંતિ, સુખાકારી (Wellness) અને 'ડિજિટલ ડિટોક્સ' (Digital Disconnection) ને સૌથી વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

 

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, લગભગ ૫૮ ટકા ભારતીય પ્રવાસીઓ ૨૦૨૭માં વિદેશ પ્રવાસનું આયોજન કરવાની તૈયારીમાં છે. આ વખતે મુસાફરી દરમિયાન માત્ર ફરવા જવા કરતાં પણ અનુભવો કેવા હશે તે બાબત પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સર્વેમાં સામે આવ્યું છે કે ૫૬ ટકા લોકો ફ્લાઇટ્સ પર અને ૪૪ ટકા લોકો સારા રહેઠાણ પર વધુ ખર્ચ કરવા તૈયાર છે, જ્યારે ૬૭ ટકા પ્રવાસીઓએ વધુ સારો આર્થિક લાભ (Value for money) મળતો હોવાના કારણે પોતાના પ્રવાસના સ્થળોમાં ફેરફાર કર્યો છે.

 

આગામી વર્ષે ભારતીય પ્રવાસોને આકાર આપતા મુખ્ય પ્રવાસ ટ્રેન્ડ્સમાં 'સિગ્નલ કટ-ઓફ' (ડિજિટલ દુનિયાથી તદ્દન અલગ રહેવું) મુખ્ય છે, જેમાં ૭૫ ટકા લોકોએ કહ્યું છે કે ફોન કે ઇન્ટરનેટ વિના તેઓ પ્રકૃતિ સાથે વધુ ગાઢ જોડાણ અનુભવે છે. આ ટ્રેન્ડને કારણે નેપાળના પોખરા, ભારતના અગાત્તી અને વિયેતનામના ફૂ કુઓક જેવા સ્થળોની ફ્લાઇટ સર્ચમાં ૧૩૩ ટકાથી ૧૬૬ ટકા સુધીનો જબરદસ્ત વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ખાસ વસ્તુઓની ખરીદી માટે મુસાફરી (Pilgra-merch), લગ્ન પૂર્વેની સંયુક્ત ઉજવણીઓ (Sten Do Surge) અને ઇતિહાસથી પ્રેરિત 'ગ્રાન્ડ ઓડિસીઝ' પણ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

 

પ્રવાસ ક્ષેત્રે 'જિમકેશન' (Gymcation) એટલે કે ફિટનેસ અને પોષણયુક્ત આહારને પ્રાથમિકતા આપતી હોટેલો પસંદ કરવાનો ટ્રેન્ડ પણ વેગ પકડી રહ્યો છે, જ્યાં ૯૧ ટકા લોકો હેલ્ધી ફૂડ અને ૫૩ ટકા લોકો ફિટનેસ સુવિધાઓને ધ્યાનમાં રાખીને હોટેલ બુકિંગ કરે છે. આ સાથે જ સંગીત આધારિત પ્રવાસો અને કરન્સીના મજબૂત વિનિમય દરને ધ્યાનમાં રાખીને સ્થળ પસંદગી કરવાનું ચલણ પણ વધ્યું છે. કિર્ગિસ્તાનના બિશ્કેક, ભારતનું રૂપસી અને જાપાનનું ઓકિનાવા પ્રવાસીઓમાં હોટ ફેવરિટ બન્યા છે.

 

ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ પ્રવાસ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યાં ૮૭ ટકા પ્રવાસીઓ પ્લાનિંગ માટે AI નો ઉપયોગ કરવા આત્મવિશ્વાસ ધરાવે છે, જ્યારે સોશિયલ મીડિયા પર યુટ્યુબ (૭૮ ટકા) અને ઇન્સ્ટાગ્રામ (૬૯ ટકા) પ્રેરણાના મુખ્ય સ્ત્રોત તરીકે યથાવત રહ્યા છે. એકંદરે, ભારતીય પ્રવાસીઓ હવે માત્ર ફરવા માટે નહીં, પરંતુ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પુનઃર્જીવિત કરવા માટે પ્રવાસને એક ઉત્તમ માધ્યમ માની રહ્યા છે.

(6:48 PM IST)