<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીબાપુના પરમ શિષ્‍ય પ.પૂ.અમરગીરીબાપુની પાવન પ્રેરણાથી ગુરુ આશીર્વાદ સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે બાવન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાઃ સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓએ પાઠવ્‍યા આશીર્વાદઃ સ્‍વ.કમલેશભાઈ રાવલના સ્‍મરણાર્થે રાવલ પરિવાર દ્વારા આયોજનઃ લગ્નોત્‍સવ પૂર્વે રાસગરબાની રમઝટ

રાજ્‍યકક્ષાના મંત્રી  કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જીલ્‍લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિત જુદા જુદા રાજકીય અગ્રણીઓની હાજરી

રાજકોટ તા.૨૧: અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે કાલે મોરબી જીલ્‍લાના હળવદ તાલુકાના ચરાડવામા દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમમા ગુરુ આશીર્વાદ સમૂહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. અનંત વિભૂષિત શ્રીમદ્‌ સદગુરુ પરમ પૂજ્‍ય બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુના પરમ શિષ્‍ય પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુની પાવન પ્રેરણાથી સ્‍વ. કમલેશભાઈ ઉદયશંકર રાવલના સ્‍મરણાર્થે તેમના સુપુત્ર દિવ્‍યાંગભાઈ કમલેશભાઈ રાવલ તથા રાવલ પરિવાર દ્વારા આ સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં બાવન દીકરીઓએ મંગલફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્‍યા હતા.

સમૂહ લગ્નોત્‍સવના એક દિવસ પૂર્વે તા. ૧૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભવ્‍ય રાસગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્‍યાત ગાયક કલાકાર ભુમીબેન આહીર તથા રાજેશભાઈ આહીરે પોતાના સુમધુર કંઠે રાસની રમઝટ બોલાવી હતી. રાસગરબામાં આસપાસના ગામોમાંથી બહોળી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહીને રાસની મોજ માણી હતી.

તા. ૧૯મીએ યોજાયેલા મુખ્‍ય લગ્નોત્‍સવ પ્રસંગે નવદંપતીઓને આશીર્વચન આપવા માટે સંત સમાજ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યો હતો. પરમ પૂજ્‍ય મહંત શ્રી ભારદ્વાજગીરીબાપુ અધ્‍યક્ષ શ્રી આહવાન અખાડા શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ મોટા ખુટવડા, પરમ પૂજ્‍ય મહંત શ્રી વિજયગીરીબાપુ થાનાપતિ શ્રી આહવાન અખાડા ડાંગિયા પાલનપુર, પરમ પૂજ્‍ય મહંત શ્રી હંસાગીરી માતાજી ગીરનારી આશ્રમ લીલાપર, પરમ પૂજ્‍ય મહંત શ્રી કૈલાસગીરીબાપુ જેતપર સહિત જુદા જુદા મઠ-આશ્રમના સંતો-મહંતોની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. સર્વે સંતોએ વર-કન્‍યાઓને દામ્‍પત્‍ય જીવનની સફળતા માટે આશીર્વાદ પાઠવ્‍યા હતા. આ ધાર્મિક આયોજનમાં રાજકીય આગેવાનો પણ સહભાગી બન્‍યા હતા. રાજ્‍યકક્ષાના મંત્રી  કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જીલ્‍લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિત જુદા જુદા રાજકીય અગ્રણીઓએ હાજરી આપીને નવદંપતીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

લગ્નોત્‍સવ દરમિયાન એક અનેરો પ્રસંગ પણ યોજાયો હતો. પૂ.અમરગીરીબાપુ દ્વારા આયોજક દિવ્‍યાંગભાઈ રાવલને સુખડીના પ્રસાદથી તોલવામાં આવ્‍યા હતા અને આ પ્રસાદ તમામ ૫૨ નવદંપતીઓને વહેંચવામાં આવ્‍યો હતો. આ ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવમાં ચરાડવા, ગોકુળીયા, દેવીપુર સહિત આજુબાજુના ગામોના ગ્રામજનો તથા બહોળી સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ ઉપસ્‍થિત રહીને લગ્નોત્‍સવનો આનંદ માણ્‍યો હતો અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

લગ્નવિધિ સંપન્ન થયા બાદ પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુ દ્વારા તમામ નવદંપતીઓને કવર, રામદરબારની છબી તથા આશીર્વાદ આપીને હસતા મુખે વિદાય આપવામાં આવી હતી. વિદાય લેતા પૂર્વે તમામ દંપતીઓએ મહાકાળી માતાજીના મંદિરે અને પૂ.દયાનંદગીરી મહારાજની સમાધિના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. 

(2:17 PM IST)