News of Sunday, 12th April 2026
યુપીમાંથી વૃધ્ધોને પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરતી ગેંગનો પર્દાફાશઃ આંતર રાજય અને ઇન્ટરનેશનલ કનેકશન ખુલ્યુઃ નકલી નોટો પકડાઇ

લખનૌઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં પોલીસે નકલી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. વોલ્ટરગંજ પોલીસ, SWAT ટીમ અને સર્વેલન્સ સેલે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5 શખ્સોની ધરપકડ કરી છે,
પોલીસે રૂ.4.20 લાખની ફેક કરન્સી અને ૩ બાઇક સાથે ૫ આરોપીઓને દબોચ્યાઃ નેપાળ અને યુપીના વિવિધ જિલ્લાના લોકો આ ગુનામાં સામેલ.
ઉલ્લેખનીય છે કે પોલીસે આ ગેંગ પાસેથી કુલ રૂ.4,20,000 ની નકલી ચલણી નોટો કબજે કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ.500ના પાંચ બંડલ, રૂ.200 ના પાંચ બંડલ અને રૂ.100 ના સાત બંડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી ત્રણ મોટરસાયકલ (Motorcycles) અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ધરપકડ બક્સઈ બ્રિજ (Baksai Bridge) પાસેથી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે નકલી નોટના કારોબારના આરોપીઓ દેશના અલગ- અલગ જિલ્લાઓના હતા. આ સાથે જ એક આરોપી નેપાળનો હોવાનું પણ સામે આવ્યું છે. જેમાંથી મુસ્તફા અને નબીઉલ્લાહ બલરામપુર, નબીઉલ્લાહ ઉસ્માની મહારાજગંજનો હોવાનું સામે આવ્યું છે. તેમજ હબીબુર રહેમાન સંત કબીર નગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મણિકાંત ચૌધરી નેપાળનો હોવાનો ખુલાસો થયો છે.
અધિક પોલીસ અધિક્ષક શ્યામકાંતે પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે આ ગેંગ સંગઠિત રીતે કામ કરતી હતી. તેઓ બસ્તી, અયોધ્યા, સિદ્ધાર્થ નગર અને આંબેડકર નગર જેવા વિસ્તારોમાં સક્રિય હતા. તેમનો મુખ્ય ટાર્ગેટ ગ્રામીણ બેંકો પાસે ઉભેલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા.
આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈને લાલચ આપતા હતા કે તેઓ તેમના પૈસા ડબલ કરી આપશે અને તેના બદલામાં નકલી નોટો પધરાવીને રફુચક્કર થઈ જતા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને નકલી નોટો ક્યાં છાપવામાં આવતી હતી તે દિશામાં તપાસ તેજ કરી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
