<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

છઠ મહાપર્વઃ ભાગલપુરમાં કિલોદીઠ રૂ.૧૦૦૦ સુધી વેચાઈ દૂધી

ધાર્મિક પરંપરાના કારણે લોકોએ થોડી-થોડી માત્રામાં દૂધીની ખરીદી કરી

ભાગલપુર,તા.૧૬: લોકઆસ્‍થાના મહાપર્વ છઠના પ્રથમ દિવસે નહાય-ખાયના પ્રસંગે બજારોમાં દૂધી અને પૂજાસામગ્રીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન ભાગલપુર જિલ્‍લાના ઘોઘા સ્‍થિત ગોલ સડક પર ભરાતી હાટમાં દૂધીની માંગ એટલી વધી ગઈ હતી કે તેના ભાવ પ્રતિ કિલો રૂ. ૧૦૦૦ સુધી પહોંચી ગયા હતા. માગની સરખામણીએ બજારમાં દૂધીની આવક ખૂબ ઓછી હોવાથી વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓને મજબૂરીમાં માત્ર ૫૦થી ૧૦૦ ગ્રામ દૂધી ખરીદવી પડી હતી.

નહાય-ખાયના અનુષ્ઠાનમાં દૂધી-ભાતનો પ્રસાદ બનાવવો અનિવાર્ય માનવામાં આવે છે. આવી સ્‍થિતિમાં દૂધીના આસમાને પહોંચેલા ભાવ છતાં શ્રદ્ધાળુઓની આસ્‍થામાં કોઈ ઘટાડો થયો નહોતો. લોકોએ પોતાની જરૂરિયાત મુજબ ૫૦થી ૧૦૦ ગ્રામ દૂધી ખરીદીને પૂજાની પરંપરા નિભાવી હતી. બીજી તરફ, ઘોઘા હાટમાં દૂધી રૂ. ૧૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હોવાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં બજારમાં દૂધીની ઓછી આવક અને આવાગમન પ્રભાવિત થવાને કારણે ભાવ વધ્‍યા હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

(9:55 AM IST)