News of Saturday, 16th May 2026
આંધ્રપ્રદેશમાં વસ્તી વધારવા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અનોખી જાહેરાત : ત્રીજા બાળકનો જન્મ થવા પર રૂ. ૩૦,૦૦૦ અને ચોથા બાળક પર રૂ. ૪૦,૦૦૦ની આર્થિક સહાય અપાશે
નરસન્નાપેટામાં આયોજિત ‘સ્વર્ણ આંધ્ર–સ્વચ્છ આંધ્ર’ કાર્યક્રમમાં ઘટતા જન્મદર અંગે વ્યક્ત કરાઈ ચિંતા : બાળકો દેશનો બોજ નહીં પણ અણમોલ સંપત્તિ હોવાનું કહી નવી નીતિની કરી જાહેરાત

વિજયવાડા : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શનિવારે રાજ્યમાં સતત ઘટી રહેલા જન્મદર અને વસ્તીના સંતુલનને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી એક અત્યંત રસપ્રદ અને અનોખી યોજનાની જાહેરાત કરી છે. નરસન્નાપેટા ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હવેથી પરિવારોને વસ્તી વધારવા માટે પ્રોત્સાહિત કરશે. આ નવી નીતિના ભાગરૂપે જો કોઈ પરિવારમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો સરકાર દ્વારા તાત્કાલિક રૂ. ૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે, જ્યારે ચોથા બાળકના જન્મ પર રૂ. ૪૦,૦૦૦ની આર્થિક રકમ પૂરી પાડવામાં આવશે.
કુટુંબ નિયોજનથી વસ્તી વધારા તરફ યુ-ટર્ન:
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ‘સ્વર્ણ આંધ્ર–સ્વચ્છ આંધ્ર’ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ભૂતકાળના નિર્ણયોને યાદ કરતા એક મોટો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેં ભૂતકાળમાં કુટુંબ નિયોજન (ફેમિલી પ્લાનિંગ) ના કડક અમલીકરણ માટે ઘણું કામ કર્યું હતું અને લોકોને ઓછા બાળકો પેદા કરવા જાગૃત કર્યા હતા. પરંતુ આજે સમય બદલાયો છે અને પરિસ્થિતિ ગંભીર બની છે. બાળકો એ આપણી સાચી સંપત્તિ અને દેશનું ભવિષ્ય છે. આ બદલાયેલા સમયમાં આપણા બાળકોના હિત માટે અને રાજ્યના અસ્તિત્વ માટે આપણે ફરીથી વિચારવાની જરૂર ઊભી થઈ છે, તેથી જ આ ચાલુ માસથી જ આ નવી યોજના અમલમાં મૂકવાનો સરકારે મક્કમ નિર્ણય લીધો છે.
ઘટતો જન્મદર અને વૃદ્ધ થતી વસ્તી મોટી ચિંતાનો વિષય:
મુખ્યમંત્રીની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે દેશના વિભિન્ન રાજ્યોમાં વસ્તીના બદલાતા માળખા, ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘટતા જન્મદર અને ઝડપથી વૃદ્ધ થઈ રહેલી વસ્તી અંગે રાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચાઓ ચાલી રહી છે. ચંદ્રબાબુ નાયડુએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો વસ્તી વૃદ્ધિનો દર આ જ રીતે ધીમો રહેશે તો ભવિષ્યમાં યુવા કાર્યબળની ભારે અછત સર્જાશે અને આર્થિક વિકાસ રૂંધાઈ જશે. આથી બાળકોને બોજ ગણવાને બદલે દેશના વિકાસના આધારસ્તંભ ગણીને વસ્તી વધારવી અનિવાર્ય બની ગઈ છે.
આંધ્રપ્રદેશની વસ્તીના ચોંકાવનારા આંકડા:
વર્તમાન અંદાજ અનુસાર આંધ્રપ્રદેશની કુલ વસ્તી આશરે ૫.૩૭ કરોડથી ૫.૪૦ કરોડની વચ્ચે છે. વસ્તીની દૃષ્ટિએ તે ભારતમાં દસમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે અને દેશની કુલ વસ્તીમાં તેનો હિસ્સો આશરે ૩.૭૬ ટકા જેટલો થાય છે. જો કે, ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર માત્ર ૦.૨૯ ટકાની આસપાસ છે, જે સમગ્ર દેશમાં સૌથી નીચા દરોમાંનો એક છે. આ વસ્તી ભૌગોલિક રીતે ૧,૬૦,૨૦૫ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે, જ્યાં વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ આશરે ૩૦૪ વ્યક્તિઓની છે.
આગામી દિવસોમાં યોજનાની વહીવટી રૂપરેખા જાહેર થશે:
સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક અને આશ્ચર્યજનક નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં આ યોજના કેન્દ્રસ્થાને આવી ગઈ છે. આ મહિનાના અંત સુધીમાં આ યોજનાની સત્તાવાર વહીવટી ગાઈડલાઈન અને બજેટની જોગવાઈઓ જાહેર કરવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકારની આ અનોખી પહેલ અન્ય રાજ્યો માટે પણ વસ્તી સંતુલન જાળવવાના મોડેલ તરીકે કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
