<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી વિજય એક્શન મોડમાં : તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા

ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મહત્વની બેઠક : ગુનાખોરી ડામવા અને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવા કડક આદેશ

ચેન્નાઈ:તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ વહીવટી તંત્ર પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. શપથ ગ્રહણ સમારોહના ગણતરીના કલાકોમાં જ તેમણે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની ઊંડી સમીક્ષા કરી હતી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રી વિજયે ડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવી એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે ખાસ કરીને નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવા આદેશ આપ્યો છે. યુવા પેઢીને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ પર તૂટી પડવા માટે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો છે.

મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે પણ મુખ્યમંત્રીએ વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવામાં આવે. પોલીસ દળને વધુ આધુનિક અને જનતા પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને કોઈપણ રાજકીય દબાણ વગર નિષ્પક્ષ રીતે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે પ્રામાણિક અધિકારીઓને સરકાર તરફથી પૂરો સહયોગ મળશે. મુખ્યમંત્રીની આ ત્વરિત કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ફફડાટની સાથે સાથે જનતામાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે નવી સરકાર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે અત્યંત ગંભીર છે.

(7:48 PM IST)