News of Tuesday, 15th September 2026
ચીનની એન્ટ્રી અને તેલના ભડકાથી દલાલ સ્ટ્રીટમાં ફાટી નીકળ્યો ખોફ: શેરબજાર પર ઘેરાયા મહામંદીના વાદળો!
હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડનો કાળો સંગ્રામ અને ચીન તરફથી અચાનક વધેલી માંગે ભારતીય શેરબજારમાં ભારે ધાક જમાવી : યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકના આંકડાકીય ચેતવણી વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ જવાની ભીતિ

મુંબઈ : વૈશ્વિક અર્થતંત્રના ક્ષિતિજ પર એક નવો અને અત્યંત ભયાનક આર્થિક ભૂકંપ આકાર લઈ રહ્યો છે, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે. દલાલ સ્ટ્રીટમાં દરરોજ રેડ સિગ્નલ છવાઈ રહ્યા છે અને રોકાણકારોની હોલ્ડિંગ્સ ક્ષણવારમાં ધોવાઈ રહી છે. આ વખતે આ તબાહી પાછળ કોઈ સામાન્ય મંદી નથી, પરંતુ ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ અને ચીનનો વૈશ્વિક ઊર્જા બજારમાં અચાનક થયેલો ધમાકેદાર પુનઃપ્રવેશ છે. અગાઉ જ્યાં મંદીના ભયથી એરલાઈન્સ અને મોટી ગ્લોબલ કંપનીઓ ખરીદી અટકાવીને બેઠી હતી, ત્યાં હવે તેલ ખરીદવાની હોડ જામી છે, જેણે બજારના પાયા હચમચાવી દીધા છે.
યુબીએસ (UBS) ઇન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ ભાનુ બાવેજાના તાજેતરના અહેવાલે રોકાણકારોના ઊંઘ ઉડાડી દીધા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી દૈનિક આશરે ૨૦ મિલિયન બેરલ ક્રૂડ તેલનું પરિવહન થતું હતું, જે વર્તમાન અવરોધોના કારણે ઘટીને માત્ર ૬ મિલિયન બેરલ રહી ગયું છે. એટલે કે દૈનિક ૧૪ મિલિયન બેરલ તેલનો પુરવઠો બજારમાંથી ગાયબ છે. શરૂઆતમાં યુએસ વહીવટીતંત્ર આ સમસ્યા ઉકેલી લેશે તેવી આશા હતી, પરંતુ હવે બજારને સમજાઈ ગયું છે કે વોશિંગ્ટન એકલું આ ગૂંચવણ ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યું છે.
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાપાયે આયાત પર નિર્ભર હોવાથી આ પરિસ્થિતિ દેશ માટે ડબલ ઝાટકા સમાન છે. તેલના ભાવ માત્ર પેટ્રોલ-ડીઝલ મોંઘા નહીં કરે, પરંતુ નેપ્થા અને ખાતર જેવા કાચા માલના ખર્ચમાં પણ ભારે ઉછાળો લાવશે, જે આખરે ખાદ્ય ફુગાવાને ભડકાવશે. જોકે હાલમાં સ્ટોક અને ચલણની અસ્થિરતા નીચલા સ્તરે દેખાઈ રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ એક વંટોળ પહેલાની શાંતિ છે. ચીનની વધતી માંગ અને મર્યાદિત સપ્લાય ભારતીય રૂપિયો અને ઇક્વિટી બજાર બંને માટે આવનારા દિવસોમાં ભારે આંચકા લાવવાની પૂરેપૂરી તાકાત ધરાવે છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
