<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મેક્સિકોના રાષ્ટ્રપતિની સુરક્ષામાં જોવા મળી ચીનની ચર્ચિત મહિલા બોડીગાર્ડ ઝૂ જિન: સોશિયલ મીડિયા પર ચર્ચા

APEC સમિટ માટે શેનઝેન પહોંચેલા ક્લાઉડિયા શીનબામ સાથે સતર્ક જોવા મળી સુરક્ષા અધિકારી, અગાઉ અનેક વિદેશી મહિલા નેતાઓની સંભાળી ચૂકી છે સુરક્ષા.


શેનઝેન, તા.20: ચીનના શેનઝેન ખાતે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની સુરક્ષામાં તૈનાત ચીનની જાણીતી મહિલા સુરક્ષા અધિકારી ઝૂ જિન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

અહેવાલો મુજબ, શેનઝેન એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામના આગમન સમયે આ મહિલા અધિકારી અત્યંત સતર્કતાપૂર્વક તેમની પાછળ ચાલતી, કારનો દરવાજો ખોલતી અને ત્યારબાદ આગળની સીટ પર બેસતી જોવા મળી હતી, જેનો વીડિયો સામે આવતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

સત્તાવાર રીતે ચીનના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરી નથી, પરંતુ ઉપલબ્ધ માહિતી અનુસાર તેમનું નામ ઝૂ જિન હોવાનું કહેવાય છે અને તેઓ ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયના સ્પેશિયલ સર્વિસ બ્યૂરોની વિદેશી મહેમાનોની સુરક્ષા કરતી ટીમ સાથે જોડાયેલા હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે ઝૂ જિન અગાઉ પણ ચીનની મુલાકાતે આવતા વિદેશી મહિલા નેતાઓની સુરક્ષામાં જોવા મળી છે, જેમાં વર્ષ ૨૦૨૩માં સીરિયાની તત્કાલીન પ્રથમ મહિલા અસમા અલ-અસદ અને ફ્રાન્સની પ્રથમ મહિલા બ્રિજિટ મેક્રોનની મુલાકાતનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત થાઇલેન્ડના તત્કાલીન વડાપ્રધાન પૈતોન્ગતાર્ન શિનાવાત્રાએ પણ ફેબ્રુઆરી ૨૦૨૫માં ચીન પ્રવાસ દરમિયાન પોતાની સુરક્ષા બદલ સોશિયલ મીડિયા પર તેમનો આભાર માન્યો હતો, જ્યારે એપ્રિલ ૨૦૨૬માં વિયેતનામના રાષ્ટ્રપતિના પત્નીની મુલાકાત સમયે પણ તેઓ સાથે જોવા મળ્યા હતા.
 

હવે APEC શિખર સંમેલન દરમિયાન વિદેશી મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા, રાજદ્વારી મુલાકાતો અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની ગતિવિધિઓ પર સૌની નજર રહેશે.

(4:52 PM IST)