<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ચીનની ઓછી ચાલ પર ભારત લાલઘૂમ, બાંગ્લાદેશમાં ઢાકાની ઝૂંપડપટ્ટીઓને દિલ્હી ગણાવી પ્રચાર કરનાર ચીની વ્લોગર્સ સામે કડક કાર્યવાહીની માંગ

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવનાર વિદેશી તત્વોને આડે હાથ લીધા, ખોટા આખ્યાનો ફેલાવનારાઓ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા હોવાનું સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી : સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતની વૈશ્વિક છબી ખરડવા માટે ચીન દ્વારા ચલાવવામાં આવી રહેલા એક સુનિયોજિત પ્રોપેગેન્ડા સામે ભારતે અત્યંત આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ વસ્તી અને ઝૂંપડપટ્ટીઓમાં વીડિયો શૂટ કરીને તેને ભારતની ગંદકી અને ગરીબી તરીકે પ્રસારિત કરી રહેલા ચીની વ્લોગર્સની હરકતો પર ભારતીય વિદેશ મંત્રાલયે લાલઘૂમ થઈને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા માટે તાકીદ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઢાકાના ઉત્તરા અને ટેકપારા જેવા ગરીબ વિસ્તારોમાં ૧૫૦થી વધુ ચીની નાગરિકો બબ્બે મોબાઈલ સાથે ફરીને લાઈવસ્ટ્રીમિંગ દ્વારા ભારતની રહેણીકહેણી, સ્વચ્છતા અને ખાનપાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. ચીનના ડોયિન (Douyin) અને વીચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ભ્રામક વીડિયો અપલોડ કરીને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકોની પરવાનગી વગર ઘરોમાં ઘૂસીને શૂટિંગ કરવાના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ વ્યાપેલો છે.

આ ગંભીર મામલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારત વિરોધી ખોટા આખ્યાનો ફેલાવનારા વિદેશી તત્વો અને આવા દૂષિત પ્રયાસો અત્યંત ખેદજનક છે. ભારતે આ સંગઠિત પ્રોપેગેન્ડાને વખોડી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દેશની છબીને વિકૃત કરીને રજૂ કરવાના આવા કારસાથી માત્ર પ્રોપેગેન્ડા ચલાવનારાઓની જ વિશ્વસનીયતા માટીમાં મળી રહી છે, અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે.

આ ઘટના બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સ્તરે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભારત વિરોધી ગતિવિધિઓ સામે સુરક્ષા એજન્સીઓ વધુ સઘન નજર રાખી રહી છે. આગામી સમયમાં સરહદી અને પડોશી દેશોની જમીનનો ઉપયોગ કરીને આ પ્રકારે ભારતની છબી ખરડવાના કાવતરાં આચરતી સોશિયલ મીડિયા ચેનલો અને ચીની નાગરિકો સામે કાયદાકીય તેમજ ડિજિટલ પ્રતિબંધો વધુ કડક બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

(9:11 PM IST)