News of Sunday, 28th June 2026
ચીનની અજબ રમત: પોતે રોજ ₹૭,૬૦૦ કરોડનું સોનું ખરીદે છે, પણ સામાન્ય જનતાની ખરીદી પર કેમ લગાવ્યો બ્રેક?
વર્ષ ૨૦૨૬ના શરૂઆતના મહિનાઓમાં જ ડ્રેગને ૬૯૨ ટન સોનાની આયાત કરીને નવો રેકોર્ડ સર્જ્યો : વૈશ્વિક આર્થિક કટોકટી અને સંભવિત જોખમો વચ્ચે બેંકોએ સામાન્ય રોકાણકારો માટે ગોલ્ડ ટ્રેડિંગ પર મૂક્યો પ્રતિબંધ

બેઇજિંગ: વૈશ્વિક બજારમાં સોનાના ભાવો ભલે ગમે તેટલા દબાણ હેઠળ હોય, પરંતુ ચીનની સોના માટેની ભૂખ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વર્ષ ૨૦૨૬ ના પ્રથમ થોડા મહિનાઓમાં જ ચીને આશ્ચર્યજનક રીતે ૬૯૨ ટન સોનાની આયાત કરી લીધી છે, જે ગયા વર્ષની સરખામણીએ ૭૬% નો જંગી વધારો દર્શાવે છે. માત્ર મે મહિનાના આંકડા જ જોવામાં આવે તો ચીને ૧૬૩ ટન સોનું ખરીદ્યું હતું, જેની કિંમત દરરોજની ₹૭,૬૦૦ કરોડથી વધુ થાય છે. આ આક્રમક ખરીદીના કારણે બેઇજિંગનો કુલ સત્તાવાર સોનાનો ભંડાર ૨,૨૩૧ ટનને પાર થઈ ગયો છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યાં એકતરફ ચીનની સેન્ટ્રલ બેંક આટલા મોટા પાયે સોનું એકઠું કરી રહી છે, ત્યાં બીજી તરફ ચીન સરકારે પોતાના સામાન્ય નાગરિકો માટે સોનું ખરીદવાના રસ્તાઓ મુશ્કેલ બનાવી દીધા છે.
ચીનની આ બેવડી નીતિ પાછળનું મુખ્ય કારણ દેશની અગ્રણી બેંકો દ્વારા લેવાયેલો એક કડક નિર્ણય છે. ચીનની સૌથી મોટી બેંક, 'ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના' (ICBC) અને ત્યારબાદ 'ચાઇના ગુઆંગફા બેંક' એ સામાન્ય રોકાણકારો માટે સોનાનો વેપાર (ગોલ્ડ ટ્રેડિંગ) સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ બેંકોએ શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ પર સામાન્ય લોકો માટે કિંમતી ધાતુઓના વેપાર પર રોક લગાવી દીધી છે અને રોકાણકારોને ૨૪ જુલાઈ પહેલા તેમની તમામ ઓપન પોઝિશન્સ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. જોકે, સામાન્ય લોકો માટે સોનાનું ફિઝિકલ સંચય અથવા ગોલ્ડ ETF માં રોકાણ હજુ ચાલુ છે, પરંતુ ટ્રેડિંગ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકાતા બજારમાં ભારે હલચલ મચી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ગલ્ફ વોર (ખાડી યુદ્ધ) અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતાના કારણે સોનાના ભાવો ખૂબ જ અનિશ્ચિત બન્યા છે. ચીની બેંકોએ આ નિર્ણય એક 'રિસ્ક મેનેજમેન્ટ' (જોખમ વ્યવસ્થાપન) ના ભાગરૂપે લીધો છે જેથી સામાન્ય રોકાણકારોને ભારે નાણાકીય નુકસાનથી બચાવી શકાય. ચીન વિશ્વનો સૌથી મોટો સોનાનો ગ્રાહક અને આયાતકાર હોવાથી, તેની આ નીતિની સીધી અસર ભારત સહિત સમગ્ર વૈશ્વિક બજાર પર પડશે. નિષ્ણાતોના મતે, ચીન જે ઝડપે સોનાનો ભંડાર વધારી રહ્યું છે તે જોતાં એવું લાગે છે કે તે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવોને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે, જેના કારણે ભારતમાં પણ આવનારા દિવસોમાં સોનાના દાગીના વધુ મોંઘા થવાની પૂરેપૂરી શક્યતા છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
