<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

CIA ના ગુપ્ત ઠેકાણાઓ પર ઈરાની ડ્રોન હુમલા પાછળ રશિયાનો હાથ? અમેરિકી ગુપ્તચર એજન્સીઓની તપાસથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો!

મોસ્કોએ ઈરાનને આપ્યા ઘાતક શાહેદ ડ્રોન અને 'કોમેટા-એમ' નેવિગેશન સિસ્ટમ: રિયાધ અને ઇરાકમાં સીઆઈએ સ્ટેશનોને નિશાન બનાવ્યા હોવાના સનસનાટીભર્યા અહેવાલ

વોશિંગ્ટન, તા.૨૩: મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મધ્ય પૂર્વ (ગલ્ફ દેશો) માં અમેરિકાની ગુપ્તચર એજન્સી 'સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી' (CIA) ની અત્યંત સંવેદનશીલ સુવિધાઓ અને સ્ટેશનો પર થયેલા ઈરાની ડ્રોન હુમલાઓમાં રશિયાએ મદદ કરી હતી કે કેમ તે અંગે યુએસ તપાસકર્તાઓએ ઊંડી તપાસ શરૂ કરી છે. આ હુમલાઓની ચોકસાઈ અને પ્રહાર ક્ષમતા જોઈને ગુપ્તચર વિશ્લેષકોમાં મોસ્કોની સંડોવણી અંગેની શંકાઓ વધુ મજબૂત બની છે.

સાઉદી અરેબિયા અને ઇરાકમાં CIA સ્થળો પર સર્જિકલ સ્ટ્રાઈક જેવા હુમલા

મળેલી માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત યુએસ દૂતાવાસની અંદર આવેલા સિક્રેટ CIA સ્ટેશન અને પૂર્વી ઇરાકમાં આવેલા લોજિસ્ટિક્સ સેન્ટર સહિત અનેક ગુપ્ત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

·         બે તબક્કાનો ઘાતક હુમલો: પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓના મતે, રિયાધ હુમલામાં ઈરાને રશિયન તકનીકથી અપગ્રેડ કરાયેલા બે 'શાહેદ' (Shahed) ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ડ્રોને ઈમારતના સંવેદનશીલ ભાગમાં વિસ્ફોટ કરીને રસ્તો બનાવ્યો હતો, જેના તુરંત બાદ બીજા ડ્રોને અંદર ઘૂસીને ધમાકો કર્યો હતો.

રશિયન 'કોમેટા-એમ' નેવિગેશન ટેકનોલોજી પર શંકાની સોય

અમેરિકી અધિકારીઓ અને સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે રશિયાએ ઈરાનને પોતાના અત્યાધુનિક 'કોમેટા-એમ' (Kometa-M) સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ પૂરી પાડી છે. ઈરાનના સ્થાનિક નેવિગેશન સાધનોની સરખામણીએ આ રશિયન સિસ્ટમ અત્યંત ચોક્કસ લક્ષ્ય વિંધવા માટે જાણીતી છે અને તેને જામ કરવી લગભગ અશક્ય માનવામાં આવે છે. આ ટેકનોલોજીના કારણે જ ઈરાની ડ્રોન સીઆઈએના ગુપ્ત સ્થળો સુધી પહોંચવામાં સફળ રહ્યા હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

અમેરિકા-રશિયા વચ્ચે વધતો સામસામેનો સંઘર્ષ

જો રશિયા દ્વારા CIA સ્થાપનો પર હુમલા માટે સીધી સહાય પૂરી પાડવાના પુરાવા મળી જશે, તો તે વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેના સૈન્ય અને રાજકીય સંઘર્ષમાં એક બહુ મોટો અને ખતરનાક મોડ સાબિત થશે. ભૂતપૂર્વ CIA અધિકારી ડેનિયલ હોફમેનના જણાવ્યા અનુસાર, "રશિયા અને ઈરાન બંને પોતાના પ્રભાવ ક્ષેત્રમાંથી અમેરિકી પ્રભાવને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે. તેથી આ પ્રકારનું લશ્કરી સહયોગ બંને દેશોના વ્યૂહાત્મક હિતો સાથે સુસંગત છે."

(5:57 PM IST)