<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

બાંગ્લાદેશમાં સિવિલ વોરની સ્થિતિ: હિંસાનું મહા તાંડવ: અનેક વાહનો ફૂંકાયાં, બે દિવસમાં છ જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ: ગોપાલગંજમાં સાંસદોનાં મકાનોને નિશાન બનાવાયાં : ૯૭ પ્લાટૂન સુરક્ષાદળો તૈનાત

બાંગ્લાદેશના કુલ ૨૮ જિલ્લામાં દસ દિવસથી બોમ્બ વિસ્ફોટ અને આગચંપીનો આતંક : ૪નાં મોત: અવામી લીગના દેશવ્યાપી બંધની દક્ષિણના જિલ્લાઓમાં મોટી અસર, ઢાકા–ચટગાંવમાં જનજીવન સામાન્ય રહયુ"

ઢાકા: બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાન વચ્ચે હિંસા વધુ વકરી છે. સત્તાધારી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના બે કાર્યકરોની હત્યા થઈ છે. છેલ્લા દસ દિવસમાં ઓછામાં ઓછા ૨૮ જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી અને વાહનો સળગાવવાની ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે બુધવારની રાતથી ગુરુવાર સવાર સુધીમાં છ જિલ્લાઓમાં દેશી બોમ્બ વિસ્ફોટ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે આજે ગુરુવારનો બંધ સમગ્ર દેશમાં સંપૂર્ણ સફળ રહ્યો નથી. 

 

શેખ હસીનાના વતન ગોપાલગંજમાં સત્તાધારી બીએનપીના બે સાંસદોનાં મકાનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. બજારો અને દુકાનોને પણ નિશાન બનાવાયાં હતાં. બુધવારની રાતથી ઓછામાં ઓછાં છ બસ અને પિકઅપ વાહનો તથા રેલવે લાઇનના એક ભાગને આગ લગાડવાની ઘટનાઓ નોંધાઈ હતી. ગુરુવારે ઢાકા–ચટગાંવ હાઇવે ઉપર પણ બસ અને ટ્રક સળગાવવામાં આવ્યાં હતાં. બસના મુસાફરો સુરક્ષિત બચી ગયા હતા.

 

અવામી લીગના બંધની અસર ખાસ કરીને દક્ષિણના જિલ્લાઓમાં વધુ રહી હતી. અનેક સ્થળે વેપાર અને વાહનવ્યવહારને અસર થઈ, પરંતુ સમગ્ર દેશ ઠપ થઈ ગયો નહોતો. ગોપાલગંજ અને ફરીદપુર સહિત સાત જિલ્લાઓમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ૯૭ પ્લાટૂન તૈનાત કરાઈ છે. ઢાકામાં માત્ર ૨૪ કલાકમાં અવામી લીગ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે ૧૦૭ લોકોની ધરપકડ થઈ હતી. તેમાં ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે.

 

યુનુસે સ્થાપેલી ગ્રામીણ બેન્કની ઓછામાં ઓછી ૩૭ શાખા અને કચેરીઓ ઉપર ૧૦ નવેમ્બરથી આગચંપી અથવા આગ લગાવવાના પ્રયાસો થયા હોવાનું બેન્કે જણાવ્યું છે.

 

બાંગ્લાદેશમાં દેશવ્યાપી બંધ સંપૂર્ણ સફળ રહ્યો નથી. દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં તેની ગંભીર અસર પડી, પરંતુ રાજધાની ઢાકા અને ચટગાંવમાં જનજીવન મોટાભાગે સામાન્ય રહ્યું. રોઇટર્સે પણ બંધને મિશ્ર સફળતા મળ્યાનું જણાવ્યું છે. 

 

ઢાકામાં સરકારી અને ખાનગી કચેરીઓ, બેન્કો, દુકાનો તથા શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહી. બસો અને અન્ય વાહનોની અવરજવર ચાલુ હતી. ચટગાંવ બંદર, ઔદ્યોગિક એકમો અને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પણ કાર્યરત રહ્યા. 

 

બીજી તરફ, ગોપાલગંજ, ફરીદપુર અને મદારીપુરના વિસ્તારોમાં બંધની નોંધપાત્ર અસર થઈ. અનેક રસ્તાઓ ઉપર વૃક્ષોના થડ અને સળગતા ટાયર મૂકીને અવરોધ ઊભા કરાયા. ઢાકા–ખુલના અને ઢાકા–બરિશાલ હાઇવે ઉપર લાંબા અંતરની બસો તથા માલવાહક વાહનો અટવાયાં હતાં. દક્ષિણ-પશ્ચિમના અનેક જિલ્લાઓ સાથેના વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જોકે સાંજ પછી ગોપાલગંજના રસ્તાઓ ઉપર વાહનવ્યવહાર સામાન્ય થવા લાગ્યો હોવાના સ્થાનિક અહેવાલ છે. 

 

બાંગ્લાદેશના ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ અને ઢાકા ટ્રિબ્યુનના વિસ્તૃત અહેવાલો મુજબ ૧૭ અને ૧૮ નવેમ્બરની હિંસક ઘટનાઓમાં કુલ ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાં નરાઇલમાં બે, ફરીદપુરમાં એક અને પિરોજપુરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 

(11:27 PM IST)