<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

CJP આંદોલન પર હરીશ સાલ્વેનો ધડાકો: 'ભારતમાં નેપાળ-બાંગ્લાદેશ જેવી અસ્થિરતા ફેલાવવાનું વિદેશી કાવતરું, યુએસ સહિતની શક્તિઓ નાખુશ!'

ભૂતપૂર્વ સોલિસિટર જનરલે આંદોલન પાછળ વિદેશી ભંડોળનો આરોપ લગાવ્યો: પડોશી દેશોની જેમ ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ, યુટ્યુબર્સ અને વિદેશી નાગરિકોની ભૂમિકા સામે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ!

નવી દિલ્હી:  દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને દેશ-વિદેશના પ્રખ્યાત વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોકરોચ જનતા પાર્ટી ના આંદોલન અંગે અત્યંત ચોંકાવનારા અને ગંભીર આરોપો લગાવતા દેશભરમાં સનસનાટી મચી ગઈ છે. તેમણે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે ભારતની અંદર ચાલી રહેલા કેટલાક વિરોધ પ્રદર્શનો પાછળ વિદેશી ભંડોળ અને બાહ્ય દેશોનો મોટો હાથ હોઈ શકે છે. પડોશી દેશો નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા તખ્તાપલટ અને રાજકીય અસ્થિરતાનો ખાસ ઉલ્લેખ કરતા સાલ્વેએ જણાવ્યું કે, ભારતની ઝડપી આર્થિક, તકનીકી અને સેટેલાઇટ ક્ષમતાઓના વિકાસથી વિશ્વની કેટલીક સત્તાઓ, ખાસ કરીને અમેરિકા નાખુશ છે અને ભારતમાં પણ આવું જ અશાંત વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.


એક વિશેષ મુલાકાતમાં હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૬ થી ૮ મહિનાથી દેશમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં એક ચોક્કસ પેટર્ન જોઈ રહ્યા છે. એકતરફ વર્તમાન સરકાર હોર્મુઝ સંકટ, આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તો બીજી તરફ કેટલાક જૂથો સરકારને આગળ વધતા અટકાવવા માટે વિરોધ ઉભો કરી રહ્યા છે. CJP નેતાઓ અને યુટ્યુબર્સની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, "આ દીપક કોણ છે? આ સૌરવ દાસ કોણ છે? તેઓ યુટ્યુબર છે, જર્મન નાગરિક છે અને અચાનક બહારથી આવીને નેતા બની જાય છે! તેમને આટલા મોટા પ્રમાણમાં પૈસા ક્યાંથી મળી રહ્યા છે?" તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે જે શક્તિઓએ બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા અને શ્રીલંકા-નેપાળમાં અશાંતિ ફેલાવી, તે જ બાહ્ય શક્તિઓ હવે ભારતને અસ્થિર કરવા માંગે છે.

૧૯૯૯ થી ૨૦૦૨ સુધી દેશના સોલિસિટર જનરલ રહી ચૂકેલા અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) માં કુલભૂષણ જાધવ કેસમાં ભારતને ઐતિહાસિક જીત અપાવનારા પદ્મભૂષણ હરીશ સાલ્વેએ આ આંદોલનોને 'જન આંદોલન' માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને આગ્રહપૂર્વક અપીલ કરી છે કે આ તમામ વિરોધ પ્રદર્શનો પાછળના વિદેશી નાણાકીય સ્ત્રોતો અને ફંડિંગ નેટવર્કની સંપૂર્ણ અને કડક તપાસ કરવામાં આવે. કાયદાકીય એજન્સીઓએ દેશની સુરક્ષા અને સ્થિરતા સામે ઊભા થતા કોઈપણ વિદેશી કાવતરા સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.

(10:06 PM IST)